________________
: ૯૬ :
પંચસૂત્ર
અનુષ્ઠાનો જીવનમાં ઉતારવાના મનોરથ સાથે જો થાય, તો તેવી અનુમોદનાથી અનુષ્ઠાન સાક્ષાત્ આચર્યા સરખો લાભ કેમ ન થાય ? અનુમોદન એટલે અનુસરનારું મોદન (આનંદ), અનુષ્ઠાનને અનુસરનારો આનંદ. એટલે કે સંયમ-તપ-તિતિક્ષા ધર્મોપદેશાદિઅનુષ્ઠાનનાં પ્રતિપક્ષી (વિરૂદ્ધ) જે તત્ત્વો અસંયમ, સુખશીલતા, કષાયો, પાપોપદેશ વગેરે; તેના ઉપરથી ખસીને તે અનુષ્ઠાનો ઉપર આકર્ષિત અને અભિલાષકપણે મુગ્ધ થનાર હૃદયનો નિર્મળ અને પ્રેરક આનંદ. આકર્ષણ એટલે “અહો ! આ કેવાં ઉત્તમ અને આદરણીય ! એવો ભાવ. અભિલાષિપણું એટલે “આ મને ક્યારે મળે !” એવી કામના.
હવે બીજા નંબરમાં સર્વ સિદ્ધ ભગવાનનું સિદ્ધપણું, એટલે કે અવ્યાબાધ (અક્ષય નિરુપદ્રવ) સ્થિતિ, અનંત શાશ્વત સુખ, અરૂપિપણું, સ્ફટિકવત નિષ્કલંક શુદ્ધ સ્વરૂપ, અનંત જ્ઞાન-દર્શન, વગેરેને અનુમોદું છું. અહો ! અમારી અધમ એવી વારંવાર જન્મવા-મરવાની, રોગ-શોક-પોકની, કામ-ક્રોધ-લોભની, હિંસાદિ પાપોની તથા મહા અજ્ઞાન અને મહા મોહની ઉપદ્રવમય ગલીચ અવસ્થા ક્યાં ? ને સામે આ સિદ્ધ આત્માની કેવી ઉત્તમ અભૂત અગમ અવસ્થા !
सूत्र - सब्बेसिं आयरियाणं आयारं, सवेसिं साहूणं साहुकिरिअं,
અર્થ-વિવેચન :- વળી ત્રિકાળના સર્વે આચાર્ય ભગવંતોનું જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર , એ આચારોનું પાલન, ભવ્ય જીવોને એનું દાન, અને એમાં પ્રવર્તન, તથા શાસન-પ્રભાવનાદિ, એ સૌની હું ભૂરિ ભૂરિ અનુમોદના કરું છું. જગતના પ્રાણીઓના હિંસક અને મોહભર્યા, વિવેશૂન્ય ને કથીર, કષ્ટદાયી અને અધ:પાતકારી પાપ-આચારો ક્યાં ? ને ક્યાં વિવેકી અને ભાવદયાભર્યા, ઉન્નતિકારી, કંચનસમા આ જ્ઞાનાચાર આદિ ઉત્તમ આચારો ! ક્યાં પાપાચારોનું પાલન અને પ્રચાર ? અને ક્યાં પવિત્ર આચારોનું પાલન અને પ્રચાર ? * આચાર્ય કેશી ગણધરે નાસ્તિક પ્રદેશી રાજાને, ને * થાવસ્ત્રાપુત્ર આચાર્યે મિથ્યાદ્રષ્ટિ સુદર્શન શ્રેષ્ઠીને મહા આસ્તિક સમકિતી શ્રાવક કર્યો !
એવી રીતે સર્વ ઉપાધ્યાયજી મહારાજ જે ભાવિક મુમુક્ષુ શિષ્ય વર્ગને યોગ્યતા-અનુસારે જિનાગમના મંત્ર-સરખા મંગળમય સૂત્રોનું સમ્યગૂ વિધિએ દાન કરે છે, એ સૂત્રદાન અને સૂત્રપરંપરા-રક્ષણને અનુમોદું છું. “કેવી એ મહાપુરુષોની સુંદર ભાવાનુકંપા ! જેના યોગે અનંતકાળમાં એ શિષ્ય-વર્ગને કોઈથી ઉપકાર ન થયો હોય તેવો અતિ મહાન ઉપકાર થયો ! તેમજ સૂત્રની આ રીતે ભૂતકાળથી ચાલી આવતી કલ્યાણ પરંપરા અખંડ રહી ભવિષ્ય માટે ચાલશે !