________________
મનનું ખરું સ્વરૂપ માત્ર સત્ત્વ છે, તેમાં અકસ્માત રીતે વચ્ચે રજસ અને તમસ જોડાય છે તેમને તપ, નિષ્કામ, સેવા, શમ, દમ, જપ, પૂજન વગેરે શુદ્ધિ કરનાર ક્રિયા કે સાધનાથી દૂર કરી શકાય. જો તમે દૈવી સંપત્તિની વૃદ્ધિ કરો તો તેની મેળે રજસ અને તમસનો નાશ થશે. આથી મન શુદ્ધ, સૂક્ષ્મ, સ્થિર અને એકાગ્ર બનશે. અને અખંડ એકરસ બ્રહ્મમાં લીન થશે અને ત્યારે જેમ દૂધ દૂધ સાથે, પાણી પાણી સાથે ને તેલ તેલ સાથે ભળી જાય તેમ મન બ્રહ્મમાં મળી જશે. પરિણામે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થશે. ૯. અલૌક્કિ વિચાર માટે રાજયગિક સાધના
અશુદ્ધ વિચારોને બદલે શુદ્ધ વિચારોને સ્થાન આપો. આ પદ્ધતિથી બધા અનિષ્ટ ને અધમ વિચારોનો નાશ કરી શકાશે. પણ આ બહુ સહેલું નથી. આ રોજયોગીની પદ્ધતિ છે.
“અરે દુષ્ટ વિચારો, હટી જાઓ” – આમ તીવ્ર ઇચ્છાપૂર્વક બળજોરથી વિચારોને હાંકી કાઢવાની પદ્ધતિથી મગજને ઘણો શ્રમ પડે છે. સામાન્ય લોકોને આ રીતે અનુકૂળ આવે તેમ નથી. તેમાં પ્રચંડ ઇચ્છાશક્તિ અને આધ્યાત્મિક બળની જરૂર પડે છે.
શુદ્ધ વિચારોથી પણ પેલે પાર જઈ સર્વોત્તમ નિર્વિકલ્પ સ્થિતિએ પહોંચવું જ પડે, ત્યારે જ તમે તમારા સ્વરૂપમાં સ્થિર થઈ શકો. ત્યારે જ તમે હથેળીમાંના આમળાની જેમ પ્રત્યક્ષ બ્રહ્મનાં દર્શન કરી શકશો. ૧૦. અલૌક્કિ વિચાર માટે વેદાંતી સાધના
જયારે સર્વ પ્રકારના નકામા વિચારો અને ઊર્મિઓ તમને ખૂબ હેરાન કરે ત્યારે તેમને ખંખેરી નાખી ઉદાસીન બની જાઓ. તમારી જાતને કહો : “હું કોણ છું?” અને તેને જવાબ આપતા હો તેમ મનને કહો, “હું મન નથી. હું તો સર્વવ્યાપક, શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું. વૃત્તિઓ મારા પર અસર કેમ કરી શકે ? હું તો વીતરાગી ને નિર્લેપ છું. હું તો આ બધી વૃત્તિઓનો સાક્ષી છું મને કોઈ પણ વસ્તુ ક્ષુબ્ધ કરી શકે જ નહિ.” જયારે તમે આવા વેદાન્તી વિચારો દ્વારા વારંવાર સૂચન કરશો કે તરત જ નકામા વિચારો ને વૃત્તિઓ ચાલ્યા જશે. આમ, મનને, પજવતા વિચારો ને વૃત્તિઓને હાંકી કાઢવા માટે આ ઉત્તમ જ્ઞાનમાર્ગ છે.