________________
આપણી આજુબાજુ જે જે પદાર્થો આપણે જોઈએ છીએ તે બધા મનના સૂક્ષ્મ વિચારોમાંથી બનેલા શૂળ પદાર્થો છે. સંકલ્પ તેમને સર્જે છે તેમ જ તેમનો લય કરે છે. મીઠાશ તેમજ કડવાશ વસ્તુમાં નથી, પણ મનમાં જ, વિષયના ચિંતનમાં જ છે. તેમની ઉત્પત્તિ વિચારથી જ થાય છે.
વસ્તુઓ પરત્વેની માનસિક વિચારોની અસરથી નજીકની વસ્તુઓ અત્યંત દૂર લાગશે, અને તેથી ઊલટું, દૂરની વસ્તુઓ અત્યંત નજીક લાગશે. દુનિયાની બધી વસ્તુઓ વચ્ચે કંઈ પણ સંબંધ નથી, પણ આપણા મનની કલ્પનાથી કે મનના વિચારોથી જ તેઓ એકબીજા વચ્ચે સંબંધવાળી ભાસે છે, મન જ વસ્તુઓને રૂપ, રંગ, આકાર આપે છે. જે વ્યક્તિ કે પદાર્થનું મન ગાઢ ચિંતન કરે છે તે તે રૂપ જ બની જાય છે.
મિત્ર ને દુશ્મન, સગુણ ને દુર્ગુણ બધા મનમાં જ છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની કલ્પનાથી જ સુખ ને દુઃખ તેમજ સારું ને નરસું સર્જે છે. ભલે ને બૂર તેમ જ સુખ ને દુઃખ પદાર્થમાંથી ઉત્પન્ન થતાં નથી, પણ મનના વલણ ઉપર આધાર રાખે છે. આ સંસારમાં કંઈ પણ સારું નથી. તેમજ ખોટું પણ નથી. તમારી કલ્પનાથી જ તેમ બને છે. ૧૯. વિચારો, વિધુત ને તત્ત્વજ્ઞાન
વિચારોમાં પ્રચંડ શક્તિ રહેલી છે. વિદ્યુત કરતાં પણ તેઓ વિશેષ શક્તિશાળી છે. વિચારો જ જીવનને નિયંત્રિત કરે છે, તે ચારિત્રને ઘડે છે અને ભાગ્યનું નિર્માણ કરે છે.
એક જ સંકલ્પમાંથી ખબર ન પડે એવી રીતે થોડા સમયમાં અનેક વિચારોના ફણગા કેવી રીતે ફૂટે છે તે જુઓ. ધારો કે તમારા મનમાં મિત્રો માટે ચાપાણીની પાર્ટી ગોઠવવાનો સંકલ્પ થયો. ચાના વિચારમાંથી એક ક્ષણમાં ખાંડ, દૂધ, પ્યાલા, ટેબલ, ખુરશીઓ, ટેબલક્લોથ, ટુવાલ, ચમચી, પુરી, બિસ્કિટ વગેરે બધાના વિચારો ઉત્પન્ન થવાના જ. આમ, મનના વિચારોનો અનેક વસ્તુઓમાં ફેલાવો એ જ બંધનની જાળ અને વિચારોનો ત્યાગ એ જ મુક્તિ.
માટે વિચારોની ઉત્પત્તિ પહેલાં જ તેને દાબી દેવા માટે સાવચેત રહેવું જોઈએ, ત્યારે જ તમે સુખી થઈ શકશો. મન તમને છેતરશે ને રમાડશે. માટે તમારે તેનો સ્વભાવ, રીત ને કાર્યપદ્ધતિ સમજી લેવા જોઈએ. તો જ તમે તેને સહેલાઈથી કાબૂમાં રાખી શકશો.