________________
પ્રશંસા વગેરે. આમ, અનેક પ્રકારે મનુષ્યો એકબીજા સાથે બંધાઈ શકે છે, પણ આધ્યાત્મિક પ્રેમના બંધનથી કોઈ બંધાતું નથી. ઉપરનાં બધાં બંધનો ખોટા વિચારોનું પરિણામ છે.
સુજ્ઞ મનુષ્ય એવો સુરક્ષિત દ્વિપ બનાવે છે કે જેને કોઈ પૂરનો જળપ્રવાહ ડુબાડી શકે નહિ. પુષ્પની સુગંધ પવનથી વિરુદ્ધ દિશામાં જઈ શકતી નથી. પરંતુ પ્રાજ્ઞની સુવાસ પવનથી સામી દિશામાં પણ જઈ શકે છે. તે પોતાના વિચારો દ્વારા સર્વત્ર વ્યાપી શકે છે. તે દૂરથી દેખાતા હિમાચ્છાદિત પર્વત જેવો છે.
હે મનુષ્ય ! જો તું તારા દીવાને પાણીથી ભરીશ તો તું અંધારાને હાંકી કાઢવા સમર્થ થઈ શકીશ નહિ. તારા દીવાને શુભ ને સત્ય વિચારો રૂપી તેલથી ભર. તારા માર્ગને પ્રકાશિત કરવાને માટે તારા શુભ સંકલ્પો મશાલરૂપ બનવા જોઈએ. તારા અહંભાવ અને સ્વાર્થી અભિમાનને તૃપ્ત કરવાનો પ્રયાસ ન કર.
સત્યની બાબતમાં દરેક નિરાશાજનક અધપાતમાં પડેલ છે. મનુષ્યના ચહેરા પર જ અશુભ સંકલ્પોની છાપ સ્પષ્ટ પડેલી દેખાય છે. છતાં આથી નિરાશ થવાને કોઈ કારણ નથી, કારણ કે પ્રકાશ વિના કદી અંધકાર જઈ જ ન શકે. મનુષ્યની દરેક જરૂરિયાત માટે હંમેશાં કંઈક ભવ્ય ઉપાય તૈયાર હોય છે જ. તેઓ આવી શક્યતામાં માને છે તેમને માટે સર્વ કંઈ સંભવિત બને છે. ' હે મનુષ્ય ! તું તારી દષ્ટિ યોગ્ય દિશામાં ફેંક અને સત્ય નિયમોનું અવલંબન લે. હંમેશાં સત્ય શુભ વિચારોને ગતિશીલ બનાવ. તારા ધ્યેયને હંમેશાં યાદ રાખ. મુખ્ય માર્ગ મૂકી બાજુએ ફંટાતા માર્ગમાં મોજ માણવાનો મનનો સ્વભાવ છે તેને દૂર કર.
પવિત્ર વિચાર પોતે જ વાણી સ્વરૂપ છે. જ્યારે જીભ શાંત હોય છે ત્યારે તે બોલે છે. તે બધાં આવરણોને છિન્નભિન્ન કરી ભવ્ય રીતે બહાર નીકળે છે અને સંસાર પરની કોઈ પણ શક્તિ તેને લાંબો સમય દબાવી શકે નહિ. હે મનુષ્ય ! અસત્ય વસ્તુમાં રાચવાનું છોડી દે.
હજારો માર્ગે સુખને ભેટવાનાં હવાતિયાં છોડી દે. જેમ જેમ તું ઝડપથી તેની પાછળ પડીશ તેમ તેમ તે વધારે ઝડપથી તારી પાસેથી દોડી જશે. તું તારી પોતાની જાતને માટે તેમ જ બીજાને માટે કંટક સમાન બન નહિ. - તારા સંકલ્પોની પ્રવાહની દિશા બદલી નાખ. તારા વિચારોનું બરાબર