________________
પાના નં. ૪
તપાગચ્છાધિપતિશ્રીની હાજરી વિના સંમેલન?
અનેકાનેક ગચ્છાધિપતિશ્રીઓ.
વર્તમાન તપાગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. તેઓશ્રીની ઉમર અને નાદુરસ્ત તબિયતના કારણે પાલિતાણા મધ્યે મળી રહેલ સંમલેનમાં ઉપસ્થિત રહી શકે તેમ નથી. પૂજય તપાગચ્છાધિપતિશ્રી વિદ્યમાન હોવા છતાં તેઓશ્રીની અનુપસ્થિતિમાં સંમેલન મળે એ હકીકત સ્વીકારી શકાય જ નહી. આ પદને આપણે સૌ મળી ગૌરવહન અને બહુજ સ્પષ્ટ રીતે જણાવું તો “માત્ર નામ પૂરતું” કરી રહ્યા છીએ. આપણા અનેક પૂર્વાચાર્યોએ પોતાની ઉમર અને તબિયતના કારણો ઉપરાંત ઉમરના અંતિમ છેડે પોતાની આત્મસાધના માટે પાટપરંપરાનું પોતાનું પ્રથમ સ્થાન છોડી, પોતાના યોગ્ય શિષ્ય ને આ ભાર સોંપ્યો છે. તેરાપંથ સંપ્રદાયમાં હમણાંજ આચાર્યશ્રી તુલસી અને આચાર્યશ્રી મહાપ્રજ્ઞની આ પ્રશંશનીય પરંપરા બની છે. વર્તમાન ગચ્છાધિપતિશ્રી મહાગીતાર્થ છે. તેઓ તેઓની અનુપસ્થિતિમાં મળતા સંમેલનથી ઉભી થતી અત્યંત અયોગ્ય પરંપરા અટકાવી ન શકે ? અટકાવવી જ જોઈએ. પૂજયશ્રી આ પદ ગૌરવપૂર્ણ રીતે ત્યાગવા વિચારે તેવી પ્રાર્થના.
પૂજય જગન્ચન્દ્રસૂરિજીના સમય થી આપણા ગચ્છનું નામ તપાગચ્છ થયું. તે પહેલાં અન્ય ગચ્છોના કે તપાગચ્છની પછીની પરંપરામાં માત્ર પાટપરંપરાએ આચાર્યશ્રી સ્થપાયા, સંઘનાયક થયા. તેમ જણાવાયું છે. કોઈ પટ્ટાવલિમાં તેઓશ્રી ગચ્છાધિપતિ થયા તેમ લખાયું - જણાવાયું નથી. વર્તમાન સમયે જે પૂજય આચાર્ય ભગવંતોના નામે સમુદાયો ઓળખાય છે - તે પૂજય આચાર્યશ્રી વિજયાનંદસૂરિ, પૂજય આચાર્યશ્રી ધર્મસૂરિ, પૂજય આચાર્યશ્રી નેમિસૂરિ, પૂજય આચાર્યશ્રી સાગરજી મહારાજ, પૂજય આચાર્યશ્રી સિધ્ધિસૂરિ, પૂજય આચાર્યશ્રી કેશરસૂરિ, પૂજય આચાર્યશ્રી નીતિસૂરિ, પૂજય આચાર્યશ્રી કનકસૂરિ (વાગડ), પૂજય આચાર્યશ્રી લબ્ધિસૂરિ, પૂજય આચાર્યશ્રી વલ્લભસૂરિ, પૂજય આચાર્યશ્રી દાનસૂરિ, પૂજય આચાર્યશ્રી પ્રેમસૂરિ આ તમામ મહાગીતાર્થ પૂજય આચાર્ય ભગવંતોએ પોતે કયારેય ગચ્છાધિપતિ શબ્દનો ઉપયોગ કર્યો નથી જ. આજે પણ કેટલાક સમુદાયો આ શબ્દનો ઉપયોગ નથી કરતા - વંદના.