________________
પાના નં. ૧ ૧
સંવત ૧૯૯૦, સંવત ૨૦૧૪, સંવત ૨૦૪૪ ના સંમેલનોમાં પણ શ્રીસંઘ ની ભૂમિકા છે, છે જ. પણ પ્રતિ સંમેલન તેનું મહત્વ ઘટતું ગયું છે. અને અહીંથી જ ચર્તુવિધ શ્રીસંઘ ની પ્રભુ આજ્ઞાને બદલે ચર્તુવિધ સંઘ એટલે માત્ર ગુરૂભગવંતો એવું એક અણગમતું ચિત્ર ઉભુ થયું છે. ગુરૂભગવંતો ચર્તુવિધ શ્રી સંઘના અગ્રસ્થાને છે, છે જ, રહેવા જોઈએ, એ પ્રભુ આજ્ઞા છે, સૌ સ્વીકારેજ. પણ ચર્તુર્વિધ શ્રી સંઘના બાકીના ત્રણ અગત્યના અંગનું અત્યારે ખરેખર અસ્તિત્વ છે ખરું? સંવત ૨૦૭૨ નાં સંમેલનમાં ચર્તુર્વિધ શ્રી સંઘની કોઈ ભૂમિકા અત્યારે જણાતી નથી. હોવી જ જોઈએ. સંવત ૨૦૭૨ નું સંમેલન વર્તમાન સમયની સંચાર / પ્રચાર/પ્રસાર વ્યવસ્થાના કારણે ખૂબ પ્રચાર-પ્રસાર પામશે. માટે પ્રેસ, પત્રકારોને સત્તાવાર સમાચાર મળે અને કોઈ અનિચ્છનીય તત્ત્વો, સમાચાર કે અપપ્રચાર દ્વારા આ મહાસંમેલનને અન્ય દિશામાં ન દોરી જાય તે માટે સુદ્રઢ વ્યવસ્થા થઈ છે? પાલિતાણા મધ્યે આ સંમેલનમાં પધારતાં પૂજય સાધ્વીજી ભગવંતો, શ્રાવકો, શ્રાવિકાઓ માટે જરૂરી વ્યવસ્થાઓ વિચારાઈ છે? વ્યવસ્થાના અનેકાનેક પ્રશ્નો છે. વ્યવસ્થા સફળતાનું પ્રથમ સોપાન છે, વ્યવસ્થાનો અભાવ સફળતાના અભાવ ની અશુભ શરૂઆત છે.