________________
જરા આગળ વધીને જોઈએ કે શંકાકાર એમ કહેવા માંગે છે કે દેહ સિવાય આત્માનું પ્રતિબિંબ પણ દેખાવું જોઈએ. આત્મામાંથી નીકળીને કોઈ જયોતિ પ્રગટ થવી જોઈએ અર્થાત્ આત્મા સ્વયં પ્રગટ થવો જોઈએ. શંકાકાર અહીં કહે છે કે મૂળમાં આત્મા છે જ નહીં તો પ્રગટ કયાંથી થાય ? દીવામાં દીવેલ નથી તો દીવાની જયોત કયાંથી પ્રગટ થાય ? આત્મા અથવા આત્માના રૂપ કોઈ પણ પ્રકારે ભિન્ન ભિન્નરૂપે પ્રગટ થવા જોઈએ. જુઓ ! દુનિયાના બધા પદાર્થો નજરોનજર નિહાળી શકાય છે. ઘટ—પટ અર્થાત્ ઘડો અને વસ્ત્ર નજરોનજર નિહાળી શકાય છે. ઘડા અને વસ્ત્રને કોઈ સંબંધ નથી પરંતુ કાવ્યશાસ્ત્રમાં બંને શબ્દમાં સમાન સંશ્લેષ હોવાથી ઘટ-પટ એમ બોલાય છે. ઘડો પણ નિહાળી શકાય છે અને પટ કહેતા કપડું પણ નિહાળી શકાય છે અને આ બધા રૂપો માટીમાં તિરોભાવે રહેલા હતાં પરંતુ આર્વિભાવ રૂપે પ્રગટ થાય છે, એટલે તેનું અસ્તિત્વ પ્રત્યક્ષ છે. તેમ આત્મા હોય તો શરીરમાંથી આર્વિભાવ રૂપે પ્રગટ થાય ને ! તિરોભાવ રૂપે પણ આત્મા નથી તો આર્વિભાવ કયાંથી થાય ? પાણીમાં માખણ નથી તો વલોણું કરવાથી પણ માખણ કયાંથી નીકળે ? તે જ રીતે દેહમાં આત્મા નથી તો તેનો સાક્ષાત્કાર પણ થતો નથી... અસ્તુ.
શંકાકારે આ રીતે ઘણી શંકાઓ કરીને આત્મા નથી તેમ જણાવ્યું છે પરંતુ આ શિષ્યની પોતાની શંકા નથી. આત્મા વિષે જે અનાત્મવાદ પ્રવર્તે છે તેનો ઉલ્લેખ કરીને શિષ્ય પોતે સત્ય સમજવા માંગે છે. આમ નાસ્તિકવાદની પ્રથમ ભૂમિકામાં શંકાકાર નથી, નાસ્તિકવાદની ત્રણ ભૂમિકા છે. (૧) આત્મા નથી તેવો દૃઢ નિર્ણય અને સર્વથા તેનો અસ્વીકાર. (૨) આત્મા છે કે નહિ ? તેવો સંશય ઉદ્ભવે છે, ‘નથી’ તેવો પણ નિર્ણય નથી અને ‘છે' તેવો પણ નિર્ણય નથી. મધ્યસ્થ ભાવે જિજ્ઞાસુવૃત્તિ છે. (૩) આત્મા હોવો જોઈએ એવી ભાવના સાથે નિર્ણય કરવા તૈયાર છે અને ગુરુની પાસે આત્માના અસ્તિત્વના વિચાર ગ્રહણ કરીને જે ભૂમિકાને સ્પર્શ કરવા માંગે છે, તે ભૂમિકા તે ત્રીજી ભૂમિકા છે. આપણા શંકાકાર બીજી અને ત્રીજી ભૂમિકામાં છે.
(૯) મિથ્યા મોક્ષ ઉપાય આ ગાથામાં અનાત્મવાદીની માન્યતાનો ઉલ્લેખ કરીને પુનઃ આત્મા નથી, તો મોક્ષ પણ નથી અર્થાત્ મોક્ષની માન્યતા તે મિથ્યા છે અને જો મોક્ષ નથી, તો તેનો ઉપાય પણ મિથ્યા છે, તેમ દર્શાવે છે. આ રીતે શંકાકાર અનાત્મવાદ પછીની મોક્ષ અને તેના ઉપાયની માન્યતાને ધિકકારે છે અને કહે છે કે આ મિથ્યા છે. જો કે આત્મા ન હોય તો મોક્ષ ન હોય, એમ માનવાનું કોઈ કારણ નથી. બૌદ્ધદર્શન અનાત્મવાદી હોવા છતાં મોક્ષને માને છે. આ સિવાયના બીજા પણ ઘણાં દર્શનો બ્રહ્મવાદી હોવાથી સ્વતંત્ર આત્માનો સ્વીકાર કરતાં નથી છતાં મોક્ષને માને છે. હકીકતમાં અહીં તો શંકાકાર અજ્ઞાનની ભૂમિકામાં ઊભા છે એટલે ગમે તે રીતે બોલી શકે છે. શંકાકારને સમજાય છે કે આત્મા જ નથી તો મોક્ષ કયાંથી હોય ? મોક્ષનું રૂપ તેને દૃષ્ટિગોચર છે જ નહિ તેથી આત્મા જેમ અદૃશ્ય છે, તેમ મોક્ષ પણ અદૃશ્ય છે. બીજું મોક્ષને માનવાની આવશ્યકતા પણ નથી. ખીલે ગાય બાંધી જ નથી તો ગાય છોડવાની વાત અસ્થાને છે. આત્મા નથી તો મુકિત કોની ? હકીકતમાં શંકાકારનો આ તર્ક પણ અધૂરો છે. સંસારી જાળમાંથી મુકત થવું અને દુ:ખમય સંસારમાંથી છૂટી જવું, તે મુકિત છે અને છૂટવા માટે જે કોઈ ઉપાય
(૩૯)
-