________________
ઈત્યાદિ ચૈતન્યભાવોની સ્વીકૃતિ છે, જ્યારે બીજી તરફ પ્રાચીનકાળથી ચાલ્યા આવતા સનાતન દાર્શનિક પ્રશ્નો અને આધ્યાત્મિક રહસ્યો, જેને ઉકેલવા માટે ભારતીય સંસ્કૃતિમાં હજારો શ્લોક પ્રમાણ ગંભીર ગ્રંથો તૈયાર થયા છે, વેદ તથા વેદબાહ્ય, આઠે દર્શનોમાં જેનું ખૂબ જ ઊંડું લઢણ થયું છે. ઉપનિષદોમાં આત્મા છે અને આત્મા નિત્ય છે, આ પ્રથમ બે પદો વિષયક પદે પદે આત્મજ્ઞાનની ઝલક જોવા મળે છે. તે ઉપરાંત જેનપરંપરામાં દિગંબર કે શ્વેતાંબર, બંને પક્ષોમાં એકથી એક ધુરંધર અને સમર્થ આચાર્યો જ્યારે શાસનરૂપ નભોમંડળમાં આવ્યા અને આત્મજ્ઞાનનો તીવ્ર ભાવે ઉદ્ઘોષ કર્યો, ત્યારે એક મજબૂત ભૂમિકાની સ્થાપના થઈ છે. સમગ્ર આર્યસંસ્કૃતિનો મૂળભૂત પાયો આત્મા કે પરમાત્મા છે. બધી સાધનાની સરિતાઓ આત્મારૂપી સમુદ્ર તરફ વહન કરી રહી છે અને જેઓએ આત્મલક્ષ છોડી દીધું છે, તેવી ધારાઓની સમગ્ર રીતે ઉપેક્ષા થઈ છે.
ત્યારબાદ આત્મા વિષે કર્મશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રમાં બે પક્ષનો ઉદય જોવા મળે છે. કર્મગ્રંથો અને કર્મયોગી સિદ્ધાંતો પાપ-પુણ્યના કર્તા તરીકે આત્માની સ્થાપના કરે છે અને આત્મા માયાયુક્ત વિભાવદશામાં કર્મ કરીને એક કર્મજંજાળ ઊભી કરે છે અથવા એમ કહો કે આદિકાળ થી એક કર્મજંજાળ ચાલી આવી છે અને અજ્ઞાનદશા પણ આદિકાળથી જ અસ્તિત્વ ધરાવે છે એટલે કર્મપક્ષમાં જીવ કર્મનો કર્તા છે અને એ જ રીતે પોતાના પાપ-પુણ્યનો ભોક્તા પણ છે. આવી દશામાં તેને જીવની સંજ્ઞા આપવામાં આવે છે. આ જીવો પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વના કેટલાક વિભાગોમાં દેહધારી બનીને કર્તા–ભોક્તાની અવસ્થા ચાલુ રાખે છે. એટલે સામાન્ય આસ્તિકવાદ પાપ-પુણ્યનો સ્વીકાર કરી પૂર્વજન્મ અને પુનર્જન્મની ધારાનો સ્વીકાર કરે છે. આ વાત ઉપર સ્પષ્ટીકરણ કરતાં આત્મસિદ્ધિના બે પદોનું આખ્યાન કરીને સ્થાપિત કર્યું છે કે જીવાત્મા કર્મનો કર્તા છે અને ભોક્તા પણ છે પરંતુ આ જીવાત્મા સદાને માટે કર્મનો કર્તા-ભોક્તા નથી. હકીકતમાં જીવાત્મા મટી પરમદશાને પ્રાપ્ત થાય અર્થાત્ પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય, ત્યારે તે કર્મનો અકર્તા અને અભોક્તા બની, યોગાતીત દશાને વરી સિદ્ધદશાને પામે છે. પાંચમું પદ આવી મુક્તદશાનું આખ્યાન કરી મોક્ષની સ્થાપના કરે છે. સમગ્ર ભારતવર્ષનો પ્રધાન લક્ષભાવ “મોક્ષ' છે.
આપણે આ દ્વિતીય ખંડમાં ઉપર્યુક્ત પાંચે પદોનું ગંભીર ભાવે વિશ્લેષણ કર્યું છે. અન્ય વિદ્વાન સાધકોએ પણ આત્મસિદ્ધિ ઉપર મંથન કરવામાં કચાશ રાખી નથી. છતાં પણ અમોને એમ લાગતું હતું કે આત્મસિદ્ધિના કેટલાક ગૂઢ ભાવો ઉદ્ઘાટિત થયા નથી અને આત્મસિદ્ધિના પદો બોલતી વખતે અંદરથી અવાજ આવતો હતો કે ઘણા ભાવો અકથ્ય રહી ગયા છે, તેવા ભાવોનું માનસિક દર્શન થતાં મનોમન અહોભાવ થતો હતો, એટલું જ નહીં પરંતુ સિદ્ધિકારનો દિવ્ય આત્મા જે સરુના સ્થાને બિરાજમાન છે, તેનો સાક્ષાત્ ધ્વનિ પણ સંભળાતો હોય તેવો ભાસ થતો હતો. આવા આંતરિક કારણોની ઉપસ્થિતિમાં શાંતાબેન બાખડા જેવા વિરક્ત તપોમય આત્માની પ્રાર્થના થતાં અને એ રીતે તેમના ઉત્સાહી દાનવીર શ્રી પ્રમોદભાઈ, મુકેશભાઈ વગેરે પુત્ર પરિવારના પણ ઉત્તમ ભાવોથી મહાભાષ્યનું ગ્રંથન ચાલુ થઈ ગયું અને આ દ્વિતીય ખંડ પણ એ જ ભૂમિકા પર તૈયાર થયો છે.