________________
સભામાં આ શંકા ઉદ્ભવે છે. (૩) સામાન્ય મનુષ્ય સમાજમાં જે થોડા બુદ્ધિશાળી છે, તેને પણ આ શંકા થાય છે. (૪) પ્રકૃતિ જગતમાં જો વિશેષ દૃષ્ટિ ન હોય, તો બધુ નાશવંત છે, તેવો આભાસ થાય છે. પ્રકૃતિની લીલા જોઈને પણ આવી શંકા ઉદ્ભવે છે તથા ઘણા શાસ્ત્રો કે ગ્રંથોમાં આવી શંકાને સ્થાન મળ્યું છે. આથી શાસ્ત્રકારે ‘બીજી શંકા થાય ત્યાં’ એમ ‘ત્યાં’ શબ્દ મૂકીને ઘણું વ્યાપક ક્ષેત્ર આવરી લીધું છે. ‘બીજી’ શબ્દ કહેવાથી નાસ્તિકવાદનો પ્રથમ પક્ષ ચર્ચાઈ ગયો છે. હવે આ બીજા પક્ષનું ઉદ્ઘાટન કરે છે. આ બીજા નંબરની શંકા આ પ્રમાણે છે આત્મા છે પરંતુ તે શાશ્વત નથી, તે દેહ સાથે નાશ પામે છે. બીજી શંકા થાય ત્યાં’ ગાથામાં ‘ત્યાં’ના જે વ્યાપક ક્ષેત્રનું કથન કર્યું છે, તેનું હવે વિવરણ કરીએ.
-
(૧) ત્યાં એટલે મનુષ્યનું મન જ્યાં સુધી મનુષ્યના માનસિક વિચારો સમ્યક્ પ્રકારે ઉદિત થયા ન હોય, ત્યાં સુધી અદૃશ્ય અને સૂક્ષ્મ તત્ત્વોનો નિર્ણય થઈ શકતો નથી. કદાચ થોડો ઘણો આંશિક નિર્ણય થાય પરંતુ પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ શકતું નથી. સામાન્ય રીતે મનુષ્યનું મન ભૌતિક હોય છે. તે સ્થૂલ દ્રવ્યો અને પદાર્થોમાં રમણ કરે છે. વિચાર કરે તો પણ દેહમાં આત્મા છે તેમ સમજે છે પરંતુ પછી શંકા કરે છે કે ખરેખર આત્મા નિત્ય છે કે નહી ? તેથી અહીં સિફ્રિકારે લખ્યું છે ‘બીજી શંકા થાય ત્યાં' ‘ત્યાં' નો અર્થ મનુષ્યના મનમાં થાય. મનુષ્યના મનમાં આમ શા માટે થાય છે ? તેની આવ્યંતર સ્થિતિનો વિચાર કરીએ, તો અમુક અંશે ઉત્કૃષ્ટ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયો છે, પરંતુ મોહના ઉદયજન્ય પરિણામો આત્માની અમર સ્થિતિ પર દૃષ્ટિપાત કરવા દેતા નથી, દૃશ્યમાન વિષયમય જગતમાં રોકી રાખે છે. અમુક પુણ્યના ઉદયે આત્મા વિષે આવી શંકા કરે છે, તે પણ એક શુભ લક્ષણ છે કારણ કે તેને ઉત્તર જાણવાની ભાવના છે.
:
(૨) ‘ત્યાં’ એટલે આત્મવાદીઓનું ચર્ચા સ્થાન ત્યાં'નો બીજો અર્થ એવો છે કે આત્મવાદી—આત્માનો નિર્ણય કરનારાઓ એકત્ર થયા હોય અને આત્મા છે કે નહિ તેની ગંભીરતાથી ચર્ચા થઈ હોય, ઘણા પ્રશ્નોતર પછી આત્મા છે, તેમ સાબિત કર્યા પછી આ તર્કસભામાં હવે બીજી શંકા ઊઠાવવામાં આવી છે કે શું આત્મદ્રવ્ય શાશ્વત છે કે નાશવંત છે. ? આ રીતે બીજી શંકા આ સભામાં થવાથી શાસ્ત્રકાર કહે છે કે ‘ત્યાં' એટલે આ પરિષદમાં બીજી શંકા ઉદ્ભવ પામી છે. ભારતવર્ષમાં એક સમય એવો હતો કે આવી અધ્યાત્મસભા ગોઠવાતી હતી અને ત્યાં તત્ત્વસ્પર્શી ઊંડી ચર્ચાઓ થતી હતી. દૃશ્યમાન સ્થૂલ જગતથી ઉપર ઊઠીને સૂક્ષ્મ તત્ત્વો વિષે ચર્ચા કરવામાં આવતી. આ પ્રથા આંશિક રૂપે હજુ પણ ચાલુ છે. આધ્યાત્મિક તત્ત્વો વિષે વાદ–વિવાદ થાય છે. પ્રશ્નોની લેવડ–દેવડ થાય છે અને શાસ્ત્રીય શબ્દો દ્વારા દૃષ્ટિની ભૂમિકા તૈયાર થાય છે. ખરું પૂછો તો જેનું નિકટના ભવિષ્યમાં કલ્યાણ થવાનું છે, તેવા પુણ્યશાળી જીવો જ આવી સભામાં ભાગ લઈને આગળ વધે છે. વિપરીત નિર્ણય કરીને હઠાગ્રહપૂર્વક ત્યાં અટકી જવું, તે અશુભ લક્ષણ છે. પરંતુ શંકા કરવી, તે એક રીતે શુભ લક્ષણ છે. સિદ્વિકારે ‘ત્યાં’ શબ્દ લખ્યો છે. ‘ત્યાં' શબ્દનો અર્થ આવી ધર્મસભા દૃષ્ટિગત રાખી છે. જયાં ‘બીજી શંકા થાય ત્યાં’ એમ કહીને આ સભામાં આત્માની નિત્યતા માટે શંકા ઉદ્ભવી છે.