________________
મહાભાષ્યના આ વિભાગમાં ૧ થી ૪૨ ગાથાનો સમાવેશ કર્યો છે. તેનો વિષય આત્માના છ પદની પૂર્વભૂમિકારૂપ છે. તેમાં મતાર્થી અને આત્માર્થીના લક્ષણોના વિસ્તૃત ભાવો પાઠકો માટે સ્વયંની વાસ્તવિકતાને માપવા માટે બેરોમીટર સમાન છે. સાધક સ્વયં જો જાગૃત હોય, તો પોતાના મનોભાવમાં રહેલા આંશિક પણ મતાર્થીના ભાવો હોય, તો તેને ઓળખી, તેનો ત્યાગ કરી આત્માર્થી બનાવી શકે તેમ છે. વ્યવહાર અને નિશ્ચય, ક્રિયાજડતા અને શુષ્કજ્ઞાનના વિષયોની સ્પષ્ટ સમજણ પાઠકોને નિશ્ચયનું લક્ષ અને નિશ્ચયનું પ્રાધાન્ય દ્રઢતમ કરાવી શુદ્ધ વ્યવહાર તરફ પ્રેરિત કરે છે.
પૂ.ગુરુદેવની પ્રજ્ઞા તીક્ષ્ણ અને દાર્શનિક છે, ગુરુકૃપાના બળે તેઓ જ્ઞાનસાગરના તળ સુધી પહોંચીને મોતીને મેળવવા સક્ષમ છે. તેઓશ્રીના ભાવોમાં સહજતા અને સરળતા છે, વિચારમાં વિશાળતા અને તટસ્થતા છે, તેઓની દ્રષ્ટિ ગુણગ્રાહી છે, તેથી જ ભિન્ન ભિન્ન વિચારધારાઓમાંથી પણ અભેદભાવે સારભૂત અખંડ આત્મતત્વની શુદ્ધિ અને સિદ્ધિનો માર્ગ નિર્દોષપણે પ્રગટ કર્યો છે.
આ મહાભાષ્યનું અવગાહના કરીને એટલું જ કહી શકાય કે આત્મસિદ્ધિ મહાભાષ્ય એટલે પૂ.બાબાજીની અનુપેક્ષાનો અમૃતકુંભ... આત્મસિદ્ધિ મહાભાષ્ય એટલે દર્શનશાસ્ત્રનો અધ્યાત્મશાસ્ત્ર સાથેનો સંબંધદર્શન યંત્ર..
આત્મસિદ્ધિ મહાભાષ્ય એટલે વ્યવહાર અને નિશ્ચયનો સુભગ સમન્વય... અંતે પૂ.ગુરુદેવ આ મહાભાષ્યના પુનવૉચનની અણમોલી તક મને આપી, તેને હું મારા સવાયા સદ્ભાગ્ય માનું છું. તે માટે પૂ.ગુરુદેવ પ્રતિ ઉપકારનો ભાવ પ્રગટ કરું છું. તેઓશ્રીનું સ્વાથ્ય પૂર્ણતઃ નિરામય રહે અને આ મહાભાષ્ય શીધ્રતઃ પૂર્ણતાને પામે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી વિરામ પામુ છું.
- પૂ.શ્રી વિરમતીબાઈ મહાસતીજી - પૂ.શ્રી બિંદુબાઈ મહાસતીજી - પૂ.શ્રી આરતીબાઈ મહાસતીજી - પૂ.શ્રી સુબોધિકાબાઈ મહાસતીજી - પૂ.શ્રી પૂર્ણાબાઈ મહાસતીજી – પૂ.શ્રી પૂર્વીબાઈ મહાસતીજી
અંતરની શુભેચ્છા
માનવતાના મસીહા પૂ.ગુરુદેવ
પાનું ફરે ને દિલડું ઠરે તેવું આત્મસિદ્ધિ મહાભાષ્ય પુસ્તક પરનું વિવેચન આપે સુંદર શૈલીમાં કર્યું છે. અત્યંત આનંદાનુભૂમિદાયક આલેખન છે. સુઘડ અને સુગમ છે. કૃતિ અતિ પ્રસંશનીય છે. પુસ્તકના પાને પાને તેના એકેક પેરેગ્રાફ પરમાત્માની મજાની વાતોરૂપી ગંગા વહી રહી છે, એના કાંઠે બેસી તેના મધુરજળને આસ્વાદવાની મજા આવશે, જેમ બિંદુઓનો સરવાળો એટલે મહાસાગર. કિરણોનો સમૂહ એટલે દીવાકર, ગુલાબોનું મિલન એટલે ગુલઝાર તેમ આત્મસિદ્ધિ પુસ્તક એટલે જ્ઞાનનો રત્નાકર. આ પુસ્તકને જેમ જેમ વાંચવામાં આવે તેમ તેમ કયારેય ન સાંભળેલા, ન જાણેલા નવા નવા પદાર્થો જાણવા મળશે. આવા જ્ઞાનસભર પુસ્તકો જનજન સુધી પહોંચે અને સૌને આપના આધ્યાત્મિક ભાવોનો લાભ મળે.
- સંપ્રદાય વરિષ્ઠા પૂ.ગુલાબબાઈ મહાસતીજી