________________
શ્રી સદ્ગુરુ નમોનમઃ હે પ્રભુ ! નિગોદથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી વર્તમાનકાળ પર્યત જે જે ભાવનારૂપ પુરુષો અને જ્ઞાની પુરુષો આ જીવના ક્રમિક આત્મદશાના ઈષ્ટ વિકાસમાં નિષ્કારણ કરૂણા કરી ઉપકારભૂત થયા છે તે સર્વ ભગવંતોને અત્યંત વિનયભકિત સહ વંદન કરું છું, વંદન કરું છું. શબ્દમાં સમાય નહીં, એવો તું મહાન, કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાન ગજુ નથી એવું કહે આ જબાન કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાન.”
મારામાં એવી કોઈ શકિત-જ્ઞાન કે આવડત નથી કે પૂર્ણનું વર્ણન કરી શકું. ફકત ભકિતવશ બે શબ્દ કહેવાનો પ્રયાસ આપની કૃપા થકી કરું છું. જયારે આત્મસિધ્ધિ શાસ્ત્રનું લખાણ થતું હતું ત્યારે પૂ.ગુરુદેવના મુખમાંથી જે જ્ઞાન રૂપી ધોધનો પ્રવાહ વહેતો હતો ત્યારે અમે કયાં છીએ, શું થઈ રહ્યું છે વગેરે કંઈ પણ ભાન રહેતું નહીં તે અમારા એક એક રોમરોમ કોઈ અદ્ભુત આનંદથી પલ્લકિત થઈ ઉઠતા. જેનો કેફ (નશો) કલાકો સુધી રહેતો. જાણે સાક્ષાત પરમાત્મા દેશના પ્રકાશી રહ્યા છે ને તે ધ્વનિને તેના પ્રકાશ પૂંજમાં અમે સ્નાન કરી ધન્ય બની રહ્યા છીએ એવો અનુભવ થતો. લખાણ બાદ અંદરથી સહજ અહોભાવ, કૃપાભાવ પ્રગટતો અહો ! અહો ! શ્રી સદ્ગુરુ કરૂણાસિંધુ અપાર, આ પામર પર પ્રભ કર્યો. અહો ! અહો ! ઉપકાર એ પ્રગટ થતો. તે વખતનું દ્રશ્ય યાદ કરતા પણ જાણે અનંતા કર્મોની નિર્જરા થતી હોય તેવો ભાસ થાય છે. અમારા અનંત જન્મોના અનંતા અનંતા પૂણ્યનો ઉદય કે પૂ.ગુરુદેવના ખૂબ ખૂબ ઋણી છીએ. એમના અનંતા ગુણો કરી, તેવા જ ગુણોના અંશ પ્રગટ થઈ પરમાર્થ માર્ગમાં આગળ વધીએ એજ પ્રાર્થના-વિનંતી. છેક પરિપૂર્ણ દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી આવા જ નિમીતો મળતા રહે, તે ઉપાસના કરતા કરતા અમે પણ સર્વ કર્મની નિર્જરા કરી શુધ્ધ-બુધ્ધને પૂર્ણદશા પ્રાપ્ત કરીએ એ ભાવ સાથે ફરી એકવાર પૂ.ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન.
- નીરૂબેન પીપળીયા