________________
મૂળિયા ત્યાં જ બળીને ભસ્મ થઈ જાય છે. જેમ પ્રજજવલિત આગને નવા કાષ્ટ ન મળે તો સ્વયં સળગીને ત્યાં જ બુઝાય જાય છે. તેમ ઉદયમાન પરિણામો સ્થિતિ પૂરી થતાં કડવા ફળ આપ્યા વિના ઝરી જાય છે, પરંતુ જો ત્યાં જીવ અજ્ઞાનને આધીન બની આ ઉદયભાવને પોતા પર
ઓઢી લે અને તેનાથી આકુળ વ્યાકુળ થઈ વિપરીત ભાવોને પેદા કરે, તો તે મોટામાં મોટો અંતર રોગ છે. શાસ્ત્રકારે અહીં આ અંતરરોગનો ઉલ્લેખ કર્યો છે અને “મટે ન અંતર રોગ' કહીને જો અંતર રોગ ન મટે તો બીજા રોગ તો મટે જ કયાંથી ? તેવો બોધ આપી અંતર રોગને જ ડામી દેવાનો ઉલ્લેખ કર્યો છે અસ્તુ. • ઉપસંહાર : અહીં અંતરરોગ શબ્દની આ સૂક્ષ્મ વિવેક્ષાથી સમજી શકાશે કે અંતરરોગ શું છે, અને તેનો મટાડવો શા માટે મહત્ત્વપૂર્ણ છે? જો તે ન મટે તો મોક્ષમાર્ગ પણ પામે નહીં અને શાંતિ પણ પામે નહીં. અહીં ૩૯મી ગાથાને આપણે સમાપ્ત કરી તેનો સારાંશ મેળવી આગળ વધીએ. પ્રારંભમાં જ આપણે કહ્યું છે કે આ ગાથા ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. એક આખી સાંકળની વિવક્ષા કરે છે. તે સાંકળનો આપણે ઉલ્લેખ કરી ગયા છીએ. સારાંશ એ છે કે શાસ્ત્રકાર જેવી ઈચ્છે છે તેવી ઉત્તમ દશા જયાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી જીવને સારા તથા ઉતમ ભાવો કે સરુ રુપી ઉત્તમ વ્યકિતનો યોગ ન મળે, તો જીવ મુકિતમાર્ગને પણ ન મેળવી શકે અને તેની ભવ પીડા પણ ન મટે, તેથી આત્માર્થીએ આ સત્યને સમજીને આ બંધનકર્તા સાંકળીની બધી કડીને તોડી નાંખવી જોઈએ, જુદી જુદી કરી નાંખવી જોઈએ.
ઉપોદઘાત : ૩૯ મી ગાથા નિષેધાત્મક હતી જયારે શાસ્ત્રકાર સ્વયં આ ૪૦ મી ગાથાના બધા ભાવોને બીજી રીતે પલટાવી આત્માર્થીના લક્ષણના બહાને જીવને શું શાતાકારી છે, શું સુખદાયી બને, સાથે સાથે તેનું કલ્યાણ પણ થાય તેવી ઉતમ સાંકળનો ઉલ્લેખ કરે છે. આ સાંકળ કૂવામાંથી પાણીની બાલટીને જેમ બહાર લાવે તેમ આત્મજ્ઞાનથી જીવને તરબોળ કરી શકે તેવી ઉત્તમ સાંકળ છે. બધા સદ્ભાવ બધા શબ્દોમાં પ્રગટ કર્યા છે. તેમાં વાંછિત દશા, વાંછિત યોગ અને તેનાથી ઉપજતું સુખદાયિક પરિણામ પ્રગટ કરીને એક પ્રકારે જાણે સુંદર ભોજન કર્યા પછી ઓડકાર આવે તે રીતે અહીં આત્માર્થીના લક્ષણો વાગોળ્યા પછી મધુર ઓડકાર આવ્યો હોય તેવી આ ગાથા છે. સહજભાવે જીવ હઠાગ્રહથી મુકત થયેલો હોય તો, કેટલી આનંદદાયક અવસ્થાને સ્પર્શ કરી શકે છે. તેવો બોધ, આપતા શાસ્ત્રકાર સ્વયં હર્ષિત થઈ રહ્યા હોય, તેવો આભાસ આ ગાથાને વાંચતા થાય છે. શાસ્ત્રકારે સ્વયં સુખદ સ્થિતિનો ઉલ્લેખ કરી આ ગાથાનો શુભારંભ કરે છે. હવે આપણે તે સરિતામાં સ્નાન કરીએ.