________________
ઘણી ગાથાઓમાં વિભિન્ન રૂપે તેઓએ સેવાનો, દયાનો, સદ્યવહાર ચાલુ રાખવાનો નિરંતર ઉપદેશ આપ્યો છે. એકાંત કોરાશાની બની સદવ્યવહારથી દૂર થાય તે જરા પણ ઈચ્છનીય નથી, તેમ ઠેકઠેકાણે બતાવ્યું છે. એ જ રીતે અહીં પણ બન્ને શબ્દો એક સાથે મૂકયા છે ભવખેદ તે જ્ઞાનાત્મક પ્રવૃત્તિ છે અને આત્માનું લક્ષ છે. જયારે પ્રાણીદયા તે જીવનનો ઉચ્ચકોટિનો વ્યવહાર છે, આવશ્યક વ્યવહાર છે. આત્માર્થીનો બધા પ્રાણીઓ પ્રત્યે કેવો ભાવ હોય તેનો ઈશારો કરી માનવધર્મ એ પ્રાણીદયા છે અને પ્રાણીદયા તે માનવધર્મ છે, તેમ જણાવ્યું છે. આત્માર્થી આવી મંગળ ભાવનાથી ભિન્ન હોતો નથી. જેમ ભવખેદ, આત્મજ્ઞાન કે સદ્ગુરુનું શરણ આત્માર્થીનું લક્ષણ છે તે જ રીતે જીવદયા, અહિંસાત્મક પ્રવૃત્તિ અને સેવા પ્રવૃત્તિ તે પણ આત્માર્થીનું એક લક્ષણ છે કવિશ્રીએ બન્ને શબ્દો સાથે ગોઠવી, બન્ને ધારાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ભવેખેદ તે આધ્યાત્મિક શુધ્ધ ઉપયોગની ધારા છે જયારે પ્રાણીદયા તે શુભ પુણ્યમયી યોગ પ્રવૃત્તિની ધારા છે. જીવની મુખ્ય બે શિકિત છે ઉપયોગ અને યોગ. આત્માર્થી જીવ શુધ્ધ ઉપયોગવાળો થાય છે અને તે જ રીતે તેના યોગ પણ નિર્મળ થાય છે. આ ૩૮મી ગાથાના ત્રીજા પદમાં આ વાત પરોક્ષ રીતે સુંદર ભાવે કહેલી છે જે ઘણી જ નોંધ લેવા લાયક હકીકત છે.
અહીં ગાથાની પૂર્ણાહુતિ થાય છે અને ગાથાના પ્રત્યેક શબ્દો અને ભાવોનું આપણે વિવરણ કરી તેની મીમાંસા કરી ગયા છીએ. શાસ્ત્રકારે પણ આ ગાથામાં ચોથા પદમાં પુનઃ ભાર પૂર્વક કહ્યું છે કે આ જે કાંઈ કહ્યું છે તે આત્માર્થીની જ વાત કરી છે અને આ વાત ઉપર જો ધ્યાન અપાય તો આત્માર્થીનો માર્ગ સ્વચ્છ બની રહેશે. આ બધા લક્ષણોથી જો દૂર હોય તો ત્યાં આત્માર્થ નથી અને આ બધા લક્ષણોનું અસ્તિત્ત્વ હોય અથવા આ બધા લક્ષણો જો જીવમાં દેખાતાં હોય ત્યાં આત્માર્થ છે, તેમાં આત્માર્થનો સાર છે. ‘વાત’ શબ્દ કહીને એક નક્કર હકીકત ઉપર વજન મૂકયું છે અહીં આડી અવળી કે બીજી કુતર્ક ભરેલી વાત કરવાનો નિષેધ કરી એક સ્પષ્ટ વાત કહી છે. ‘વાત' શબ્દ એક પ્રકારનો વચન બોધ છે, જે કાંઈ ઉપદેશ અને પ્રવચન થાય છે અથવા મનુષ્ય જે કાંઈ ભાષાનો ઉપયોગ કરે છે તે એક પ્રકારની વાત હોય છે અને વાતોમાં આત્મતત્ત્વનો ભાવ સમાયેલો હોય છે. અહીં આપણે જૈનદર્શનનું એક ખાસ મંતવ્ય સ્પષ્ટ કરીએ.
‘વાત' જેટલી જ્ઞાનાત્મક હોય છે તેટલી વ્યર્થ પણ હોય છે. અધિકતર વ્યર્થ વાતોમાં જ માનવજીવન ચાલ્યું જાય છે અને શાસ્ત્રોમાં જે નિષેધ કર્યો છે સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજકથા ઈત્યાદિ વાતોનો નિષેધ કર્યો છે. આ બધી વાતો અકલ્યાણકારી છે, બંધનકર્તા છે, પુણ્યનો નાશ કરનારી છે એટલે વાતોમાંથી શુદ્ધ વાતની તારવણી કરવી જરૂરી છે. જેમ ખેડૂત ખળામાં ધાન્ય કે અનાજ આવ્યા પછી ધાન્ય કે દાણા છૂટા પાડી ફોતરા ઊડાડી દે છે અને સારતત્ત્વને ગ્રહણ કરે છે તે જ રીતે જ્ઞાનીજીવ વ્યર્થ વાતોના ફોતરા ઊડાડી સારતત્ત્વ એવી જ્ઞાનાત્મક વાતને ગ્રહણ કરે છે અને આવી જ્યાં વાત હોય ત્યાં આત્માર્થ છે એમ કવિરાજ કહે છે. આ બધા લક્ષણો જેમાં પ્રવર્તમાન છે ત્યાં જે કાંઈ વાત છે તે બધી ઉપાસનાની સાચી વાતો છે. આ છેલ્લા પદમાં નિરર્થક વાતથી મુકત બની આ જ જ્ઞાનની વાત છે અને ત્યાં જ જ્ઞાનનું લક્ષણ છે. ચોથું પદ અહીં વાતની ભાવનાઓને નિર્મળ કરી વાતોમાંથી પણ સારરૂપ વાત તારવવા માટે પ્રેરણા આપે છે.
૩૭૧