________________
શબ્દથી પણ પ્રગટ થાય છે. મતાર્થીના જે લક્ષણ છે તેનો અભાવ તે આત્માર્થીના લક્ષણ બની જાય છે અને આત્માર્થીના લક્ષણનો અભાવ તે મતાર્થીના લક્ષણ બની જાય છે.
ઉપરમાં ચારે બોલની તુલના કરી છે તેથી સમજાય તેવું છે. આ આપણે સામાન્ય વાત કરી. પરંતુ દાર્શનિક દ્દષ્ટિથી બન્ને કથનની પૂર્ણ ઉપાદેયતા છે, અર્થાત્ મતાર્થીના લક્ષણનો અભાવ એટલો જરુરી છે. જ્યારે સામે પક્ષમાં આત્માર્થીના લક્ષણનો સદ્ભાવ પણ એટલો જ જરુરી છે. ફકત નિષેધાત્મક કહેવાથી વિધેય ભાવોની સ્થાપના થતી નથી. જેમ કોઈ કહે ક્રોધ ન કરવો જોઈએ. આ નિષેધભાવ છે, પરંતુ વિધિભાવમાં ક્ષમા રાખવી જોઈએ એમ કહેવું એટલું જ જરુરી છે. બન્ને પ્રકારની આજ્ઞાથી એક વિધાન પરિપૂર્ણ બને છે. આ દાર્શનિક સિધ્ધાંત પ્રમાણે બન્ને કથન પરમ આવશ્યક છે. શાસ્ત્રકારે સ્વયં જ્ઞાનપૂર્વક આ બન્ને લક્ષણોનું કથન કર્યું છે. મતાર્થી ન બનવું એટલું કહેવાથી આત્માર્થી બને, તેઓ ભાવ પૂર્ણરુપથી પ્રગટ થતો નથી. મતાર્થી ન બને અને આત્માર્થી બને, તે બન્ને આજ્ઞાનું પાલન કરવાથી જ એ પૂર્ણ વિધાન બને છે.
આટલું વિવેચન એટલા માટે કર્યું છે કે મતાર્થીના જે દુર્ગણો બતાવ્યા છે અને તેમાં સદ્ગુણોનો અભાવ બતાવ્યો છે, તે અભાવને કારણે જીવ મતાર્થી બની જાય છે. જયારે શુધ્ધ પક્ષમાં દુર્ગુણોનો અભાવ જરુરી હતો તેનું ગુણાત્મક વિધાન પણ જરુરી હતું. હવે આપણે ઉપરના ચારે બોલની તુલના કરીએ. મતાર્થમાં કષાયના ઉપશમનો અભાવ છે. જયારે આત્માર્થમાં કષાયનો ઉપશમ આવશ્યક છે. ઉપશમનો અભાવ એક નિષેધ છે. જયારે ઉપશમનો સદ્ભાવ તે એક વિધિ છે. એ જ રીતે મતાર્થમાં પરમાર્થની પ્રાપ્તિનો અભાવ છે અર્થાત્ નિષેધ છે. જયારે આત્માર્થમાં પરમાર્થની પ્રેરણા કે પરમાર્થની વિધિ છે. ત્રીજા બોલમાં ઉદાહરણ રુપે આંતર ત્યાગનો અભાવ છે અને સદ્ગુરુનો પણ અભાવ છે. જયારે વિધિપક્ષમાં આત્મજ્ઞાન પણ છે અને સદ્ગુરુની પ્રાપ્તિ પણ છે. આમ નિષેધ અને વિધિ બન્ને દ્વારા એક પૂર્ણ વિધાન સ્થાપિત થાય છે. મતાર્થમાં સદ્ગુરુની વિમુખતા છે ત્યાં પણ એક નિષેધભાવ છે. જયારે શુધ્ધપક્ષમાં પ્રત્યક્ષ સદ્ગુરુનો સદ્ભાવ છે, તે વિધિ છે.
ઉપરના ચારે ઉદાહરણથી સમજી શકાય છે કે એક નકકર ચીજને પ્રાપ્ત કરવા માટે કે સમજેવા માટે નિષેધ અને વિધિ બન્ને પક્ષોને સ્પર્શ કરવો જરુરી છે. ગુરુદેવે બહુ જ જ્ઞાનપૂર્વક આ બન્ને પક્ષોનો તારતમ્યભાવ વિધિ નિષેધથી પ્રગટ કર્યા છે. એક તરફ મતાર્થીનું વ્યકિતત્ત્વ છે. જે નિષેધાત્મક છે. ત્યારે બીજી તરફ આત્માર્થીનું વ્યકિતત્વ છે. તે પરમ આદરણીય વિધિરૂપ છે. સારાંશ એ થયો કે મતાર્થી ન બનો અને આત્માર્થી બનો. ખોટું ન બોલો તે નિષેધ વાકય છે. સાચું બોલો, તે વિધિ વાકય છે. બન્ને આજ્ઞાનું કથન કરવાથી જ સત્યનું વિધાન થાય છે અસ્તુ.
ઉપશમનો વિધિભાવ : આટલી તુલનાત્મક વ્યાખ્યા કર્યા પછી આપણે વર્તમાન ગાથાના ભાવોને સ્પર્શ કરીએ. કષાય ઘણો જ ઘાતક છે તે આપણે કહી ગયા છીએ, પરંતુ જયારે કષાય ઉપશમે છે ત્યારે ફકત કષાયનો અભાવ થતો નથી પરંતુ વિપક્ષમાં અકષાયના સદ્ભાવો પ્રગટ થાય છે. ઉપશમભાવ તે અભાવાત્મક નથી અર્થાત્ કષાયનો અભાવ તે ઉપશમ નથી. જેમ કષાયનો સદ્ભાવ છે, પ્રગટપણું છે તેમ ઉપશમનો પણ સદ્ભાવ છે અને તેનું પણ પ્રગટપણું છે.
393