________________
એ બન્ને સંપતિથી યુકત થઈ સાંસારિકદશામાં જીવન ધારણ કરી શુધ્ધ-અશુધ્ધ, શુભ-અશુભ ભાવોને ધારણ કરે છે. ઉપયોગમાં શુધ્ધ અશુધ્ધની પરિણામધારા છે જયારે યોગમાં શુભ અશુભની પ્રવૃતિ છે, મન–વચન-કાયાના ત્રણે યોગ જીવની દેહાદિક પ્રધાન સંપતિ છે. આ યોગ સંપત્તિ બે ભાગમાં વિભકત છે. સૂક્ષ્મ અને સ્થૂલ, આંતરિક અને બાહ્ય. જીવના ઉપયોગના પરિણામો પ્રમાણે આ યોગોનું સંચાલન થતું રહે છે. ઉપયોગ તે જીવની ચૈતન્યધારા છે અને આ ચૈતન્યધારા સાથે યોગો જડ થઈને રહેલા છે. જેમ ડ્રાઈવરની ઈચ્છા પ્રમાણે ગાડી ચાલે છે તેમ આત્મા જે ભાવોથી સંચાલન કરે છે તે પ્રમાણે યોગની ગાડી ચાલે છે પરંતુ વિશેષતા એ છે કે યોગો સાથે કર્મજન્ય વિપાક જોડાયેલા છે અને કર્મજન્ય વિપાકોનો યોગ પર પ્રભાવ આવે છે. સામાન્ય સિધ્ધાંત પ્રમાણે જીવાત્માની ઈચ્છાનુસાર, જ્ઞાનની સમજ અનુસાર યોગોનું પ્રવર્તન થતું હોય છે. યોગ તે દ્રવ્ય આશ્રવનું મુખ્ય સાધન છે. જ્ઞાનના અભાવે તે પાપકર્મનું પણ સાધન છે પરંતુ ગુરુદેવની પ્રાપ્તિ થયા પછી અને હૃદયમાં સત્—ગુરુદેવની પ્રતિમા સ્થાપિત થયા પછી, તેનો ઉપકાર સમજાયા પછી, આ ત્રણે યોગ ગુરુદેવના ચરણે એક રીતે અર્પિત થઈ જાય છે, સ્થિર થઈ જાય છે, ભકિતનું ભાજન બને છે. સેવા અને શુશ્રુષાની એક નવી પ્રણાલી શરૂ થાય છે. આમ મન–વચન–કાયા રૂપી ત્રિવેણી ગુરુભકિતની સરિતા બનીને જીવને પાવન કરે છે. એટલે જ અહીં કવિરાજ કહે છે કે હવે મન-વચન-કાયાના વિષમભાવોને કારણે જ વક્રતા હતી તે ટળી જાય છે અને ત્રિયોગની એકતા પ્રગટ થાય છે. જાણે ત્રણે યોગ એક જ થઈ ગયા છે. જેવું મનમાં છે તેવું જ વચનમાં છે અને મન–વચનના ભાવ પ્રમાણે કાયાનું પણ એવું જ શુભ પ્રવર્તન છે. ત્રણે યોગનું એકત્વ પ્રગટ થતાં ભકિતનો ખૂબ જ ઘાટો રંગ ખીલી ઊઠે છે, હવે અહંકાર ટળી જવાથી અને સ્વયં સમર્પિત થઈ જવાથી પોતાની ઈચ્છાજન્ય કોઈ સ્વતંત્ર પ્રવૃત્તિ રહેતી નથી પરંતુ ગુરુદેવની જે પવિત્ર આજ્ઞા પ્રગટ થાય તે તેમના જીવનનો ક્રમ બની જાય છે. તે પ્રમાણે જીવનું શુભ વર્તન થાય છે.
ઉપકારનું જે બીજ વવાયું હતું તે હવે ત્રિયોગના એકત્વરૂપે પલ્લવિત થઈને ગુરુ આજ્ઞા અનુસારનું વર્તન અને તેના સુફળો પણ આ લતામાં ફૂટવા લાગ્યા છે. ઉપકાર રૂપી બીજમાંથી ઉદ્ભવેલી ત્રિયોગ એકતારૂપી લતામાં ગુરુઆજ્ઞાના સમધારણરૂપી ફૂલો ફૂટવા લાગ્યા છે. તેનું કોઈ પણ વર્તન હવે મોહાનુકુળ નથી, ભોગાનુકુળ નથી, પરંતુ આજ્ઞાનુકુળ છે. આજ્ઞાપાલન, તે જીવનું ઉત્તમ શાસ્ત્ર બની જાય છે. જેથી આ પદમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘વર્તે આજ્ઞાધાર'. અહીં ધારનો અર્થ ધારણ કરવાનો છે. અર્થાત્ આજ્ઞાને ધારણ કરે છે. જીવ પોતે હવે મોહાધાર મટીને આજ્ઞાધાર બન્યો છે. આજ્ઞાને ધરે છે, ધારણ કરે છે, શિરોધાર્ય કરે છે. અહીં ધાર શબ્દ ધારણાવાચી છે અને ધારણવાચી પણ છે. પરંપરામાં ધર્મનો અર્થ ધારણ કરવું તેમ કરવામાં આવે છે. તો અહીં શિષ્ય ગુરુ આજ્ઞાને ધારણ કરે છે. એક પ્રકારે તે ધર્મને સાર્થક કરે છે. ધર્મ શબ્દનો સાચા અર્થમાં પ્રયોગ કરે છે. આને કહે છે કે આજ્ઞાધાર અસ્તુ.
ત્રિયોગની ગુણાત્મક એકતા : અહીં આટલો સરળ અર્થ કર્યા પછી હવે આપણે ઊંડાઈમાં જઈએ, વિચાર કરશું કે આ ત્રિયોગની એકતા તે શું છે ? શું તેમાં એકત્વ સંભવે છે
૩૩૯