________________
વૈરાગ્યભાવ, ત્યાગની જીવાદોરી : વૈરાગ્ય એ ભારતીય સંસ્કૃતિનો બહુ જૂનો જાણીતો શબ્દ છે. બધા જ ધર્મો અને સંપ્રદાયમાં વૈરાગ્ય અને વૈરાગ્ય ભરેલી કથાઓનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વૈરાગ્ય એ જીવનનું ઉચ્ચ કોટિનું પાસુ છે. કદાગ્રહવાળી કોઈ ચીજથી હટી જવું, તે ઊંચી બુધ્ધિમત્તા છે. કાદવ ભરેલા તળાવમાં કાદવ કેટલો ઊંડો છે, એમ જાણવા માટે કોઈ અંદર જાય તો કાદવમાં જ ખેંચી જાય છે. પરંતુ કાદવને દૂરથી સલામ કરી, તરીને ચાલે તો બધ્ધિમત્તા છે. રાગ દ્વેષરૂપી કાદવના ભરેલા તળાવો સંસારમાં ડગલે ને પગલે જોવા મળે છે. તેમના બને છેડા ગુપ્ત છે. તેને પાર પામવા માટે મથામણ કરવી, તે ઘોર અજ્ઞાન છે. તેનાથી હટી જવું એ વિરકિત છે. વિરકિત એક પ્રકારની પીઠેહઠ છે અને બીજા પ્રકારે મોટો પુરુષાર્થ પણ છે. જ્ઞાનબળ અને સંકલ્પબળથી જ વિરકિતનું આચરણ થઈ શકે છે. સંસારમાં બે પાસા જેના સુખ અને દુઃખ એવા નામ છે, તેવા ઘણી જાતના કંદો છે, તેમાંથી વિમુકત થયેલા આત્માઓ જ વૈરાગ્યનું અવલંબન કરી અવ્યય એવા અખંડ આત્મા કે બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે. વૈરાગ્ય તે એક ઉચ્ચકોટિનું સંસારના કલેશથી બચવા માટેનું સાચુ હથિયાર છે. દૂર રહેવું, છુટું પડી જવું અથવા સંગમાં રહીને પણ મનને છૂટું પાડવું, મનને બાહ્ય દુનિયામાં પદાર્થોથી પ્રભાવિત ન થવા દેવું, તે વૈરાગ્યનું લક્ષણ છે. દર્પણ ઉપર પડતી ધૂળથી દર્પણ મેલુ થાય પરંતુ જો દર્પણને સાફ કરવામાં આવે તો શુધ્ધ પ્રતિબિંબ પણ મળે, તેમ મનોભૂમિ રૂપી દર્પણ ઉપર રાગ-દ્વેષની જે ધૂળ પડે છે તેનાથી દર્પણને મેલ થવા ન દે અને વૈરાગ્યથી દર્પણને સ્વચ્છ રાખે તો તેમાં ઉચ્ચકોટિના તત્ત્વજ્ઞાનનું પ્રતિબિંબ પડે છે. પણ હઠાગ્રહી જીવ જેને શાસ્ત્રકાર મતાર્થી કહે છે, તે એક પ્રકારે મદારી છે, અહંકાર રૂપી મદથી ભરેલો છે. તે સત્યનો સ્વીકાર કર્યા વિના અને રાગ-દ્વેષના પરિણામને તપાસ્યા વિના વૈરાગ્યહીન બનીને પોતાનું કાળુ ચિત્ર ઊભુ કરે છે. આ છે મતાર્થીની અધમદશા !
અહિં વૈરાગ્યની સાથે અંતર શબ્દ જોડયો છે. “નહિ અંતર વૈરાગ્ય” આ અંતર શબ્દ વૈરાગ્યની સાથે પણ જોડાયેલો છે, તે વૈરાગ્યનું વિશેષણ પણ બને છે અને અંતર શબ્દને સ્વતંત્ર માનીએ તો તે વૈરાગ્યનું અધિકરણ પણ બને છે. અર્થાત્ સ્થાનસૂચક પણ છે.
વૈરાગ્યભાવ : (૧) અંતરનો વૈરાગ્ય (આત્માથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય) (૨) અંતરમાં વૈરાગ્ય (અંતર) આ બન્ને લગભગ નજીકના હોવા છતાં, સમાન બોધક હોવા છતાં બંને પાસા તપાસવાથી તેના વિશેષ ભાવો પણ દૃષ્ટિગત થાય છે. પ્રથમ આપણે અંતરનો વૈરાગ્ય એ સીધો અર્થ ગ્રહણ કરીએ. અંતરને વૈરાગ્ય એટલે શું? લૌકિક પધ્ધતિમાં ત્રણ પ્રકારના વૈરાગ્ય પ્રસિધ્ધ છે. (૧) સુખગર્ભિત વૈરાગ્ય (૨) દુ:ખગર્ભિત વૈરાગ્ય (૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય.
આ ત્રણેય વૈરાગ્યના વિભાજનથી સ્પષ્ટ થાય છે કે પ્રથમના બે પ્રકાર તે બાહ્ય વૈરાગ્ય છે. બાહ્ય નિમિત્તથી ઉપજેલો વૈરાગ્ય છે, પ્રતિકૂળતા કે અનુકૂળતાના આધારે ઉદ્ભવેલો વૈરાગ્ય છે. જયારે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ અંતરનો વૈરાગ્ય છે. અર્થાત્ આંતરિક વૈરાગ્ય છે. આ વૈરાગ્યમાં કોઈ પદાર્થના સુખ દુઃખનું નિમિત્ત નથી પરંતુ જડ દ્રવ્યોનો સ્વભાવ ઓળખી જ્ઞાનપૂર્વક તેના વૈશેષિક ગુણોનો પરિત્યાગ કરવો અથવા તે વિષય સ્વીકારવા યોગ્ય નથી તેમ જ્ઞાનમય સંકલ્પ