________________
ગાથા-૨૮
'લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન; 'ગહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન II
લલ્લું સ્વરૂપ ન વૃત્તિનુંઃ વૃત્તિનું સ્વરૂપ અને પરમાર્થનું ગ્રહણ, અહીં આ બે મુખ્ય વસ્તુને ગ્રહણ કરી છે, કારણ કે જયાં પરમાર્થનો વિચાર થાય છે ત્યાં જે કોઈ બાધક તત્ત્વો હોય તેનો વિચાર કરવો પણ તેટલો જ મહત્ત્વપૂર્ણ છે. ઘઉં અને ઘઉંના કાંકરા બંનેને ઓળખવાની જરૂર છે. ઘી માં કીટુ રહેલું છે. કપડામાં મેલ રહેલો છે. લગભગ સંસારના તમામ પદાર્થોમાં એક વિકૃતિ તત્ત્વ પણ સાથે કામ કરતું હોય છે. સોની જયારે સોનાને પીગાળે છે ત્યારે તેમાં ભેળ, કેટલો છે તે પણ જાણવા કોશિષ કરે છે.
અહીં જે વાત કરી છે તેમાં એક ગૂઢ તત્ત્વ રહેલું છે, જેનો આપણે પાછળથી ઉલ્લેખ કરશું. જ્ઞાનની શુધ્ધ પર્યાયોથી પરમાર્થનું ભાન થાય છે. પરંતુ પરમાર્થ સુધી પહોંચવા, પહેલા વૃત્તિઓની વનસ્થળી પાર કરવાની હોય છે અને વૃત્તિને સારી રીતે ઓળખી લીધા પછી જ જીવ વૃત્તિના પ્રભાવથી મુકત થઈ શકે છે. વૃત્તિનું અધિષ્ઠાન મનયોગ અને અંતઃકરણ છે. વૃત્તિ તે જ્ઞાનાત્મક પણ છે અને ભાવાત્મક પણ છે. મનુષ્યના મનમાં સમાજના જે ભાવો છે તે પણ એક વૃત્તિ છે અને આસકિત આદિ, રાગાદિ પરિણામો થાય છે, અથવા અંતઃકરણમાં દયા અને પ્રેમની લાગણી થાય છે તે પણ એક વૃત્તિ છે. સૂક્ષ્મ નિરીક્ષણ કરવાથી જોઈ શકાય છે કે વૃત્તિમાં પણ બે પ્રકાર છેઃ એક અશુભ વૃત્તિ અને એક શુભવૃત્તિ, એક અપ્રશસ્તવૃત્તિ અને એક પ્રશસ્ત વૃત્તિ. મન અને અંતઃકરણ બંનેને ચિત્ત પણ કહેવામાં આવે છે. પાતંજલ યોગશાસ્ત્રના પ્રથમ સૂત્રમાં લખ્યું છે કે “ત્તિવૃત્તિનિરોધસ્તુળ” અહીં ચિત્તમાં વૃત્તિ થાય છે, તેમ કહ્યું છે. ચિત્ત સ્વયં એક વૃત્તિઓનું ગૂંચળું છે. અર્થાત્ વૃત્તિઓનો સમૂહ છે. વૃત્તિના સ્વરૂપને ઓળખવું એટલા માટે જરૂરી છે કે તે કાર્યકારી છે, પ્રભાવક છે. મન અને ઈન્દ્રિયો ઉપર વૃત્તિની પક્કડ છે. વૃત્તિ પોતાની જગ્યાએ ભલે રહે પરંતુ તેના સ્વરૂપને જાણી લેવું તે પરમ આવશ્યક છે. સર્પને સર્પ તરીકે
ઓળખી લેવાથી તેના વિષમય પ્રભાવથી બચી શકાય છે. તેમ વૃત્તિથી ભૌતિક જ્ઞાન છૂટું પડે અને વૃત્તિનું નાટક નિહાળે ત્યારે તેને ખબર પડે કે વૃત્તિ કેવા પરિણામ પેદા કરે છે. વૃત્તિ કોઈ સ્થાયી તત્ત્વ નથી. પરંતુ વચગાળાનો ઉદ્ભવ આશ્રય છે. જૈન તત્ત્વજ્ઞાનમાં આશ્રવતત્ત્વને તત્ત્વોમાં લીધું છે, પણ સમગ્ર આશ્રવ તત્ત્વ તે વૃત્તિની પર્યાય છે. બધા અનિત્ય ભાવો પણ જો તેને સમજણમાં ન આવે તો જીવાત્મા અનિત્યભાવમાં જે ગોથા ખાતો રહે છે. અહીં વૃત્તિના સ્વરૂપને જીવ લેતો નથી એમ કહ્યું છે. લેતો નથી, એટલે જાણતો નથી, તેમ કહ્યું. કોઈ જણાવે તો જાણવા માંગતો નથી. હકીકતમાં વૃત્તિને આધીન થયેલો જીવ વૃત્તિને ઓળખવા જલ્દી તૈયાર થતો નથી. જેમ કોઈ માણસ ખોટા ઘરેણાંને હૃદયથી સાચા માનીને ચાલતો હોય, તો તે બીજાની વાત સાંભળવા તૈયાર થતો નથી. અર્થાત્ સુવર્ણની સત્યતાને ઓળખવામાં અટકાય છે. અહીં શાસ્ત્રકારે “લયું ન સ્વરૂપ વૃત્તિનું અર્થાત્ વૃત્તિનું સ્વરૂપ સમજવા કોશિશ કરી નથી.