________________
ઉપસંહાર : આખી ગાથા એક ક્રમિક વિકાસનો કેવી રીતે ભંગ થાય છે અને ક્રમિક વિકાસમાં બધ્ધિ કેવી રીતે ગોથું ખાય જાય છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. ગાથામાં જિનેશ્વર ભગવંતનું ઉદાહરણ આપ્યું છે, તે એક મર્મ ભાવ પ્રગટ કરે છે. અન્યદર્શનોમાં કે અન્ય અવતારોમાં આ વસ્તુ ઘટિત થતી નથી. ત્યાં બાહ્ય આડંબર હોય તો પણ આંતરિક ભાવોની શુધ્ધિ પ્રવર્તમાન નથી, તેથી અન્ય કોઈ પરંપરાના ભગવંતોનું ઉદાહરણ બંધ બેસે તેવું નથી. ઉપરાંત આત્મસિધ્ધિના બધા ભાવો જૈનદર્શનના અધ્યાત્મિક ભાવો ઉપર નિર્ભર છે.
અહીં શાસ્ત્રકારે જિનેશ્વર ભગવાનનું ઉદાહરણ આપ્યું છે, તેમના બાહ્યભાવોની અંતગર્ત પરમ શુધ્ધ આત્મતત્ત્વ ઝળકે છે, તેથી જિનેશ્વરના જે બાહ્યભાવો સુંદર છે, તેનાથી આંતરિક ભાવો કરોડો ગણા વધારે પરમશુદ્ધ છે. જેને સુંદર ન કહેતા પરમ શાંતિ રૂપ છે તેમ કહેવું ઉચિત છે. જેથી આ ભાવોનું લક્ષ ન રાખતા બાહભાવોમાં સાધક અટકી જાય અને બૌદ્ધિક આગ્રહ જન્મે છે તે વાત આ ૨૫મી ગાથામાં ભારપૂર્વક કહેવામાં આવી છે. સુંદર વાવડી જોયા પછી વાવડીનું વર્ણન સાંભળી અટકી પડે છે અને પાણી સુધી પહોંચતો નથી તે આ ગાથાનું તાત્પર્ય છે. દ્વૈત ભાવ પ્રદર્શિત કરતી આ ગાથા પરિપૂર્ણ કરી હવે આપણે ૨૬મી ગાથામાં પ્રવેશ કરશું.
- ઉપોદ્દાત : ૨૬મી ગાથા તે જિનેશ્વર ભગવાનના ઉદાહરણથી નીચે આવી સમજી શકાય તેવા ગુરુ ભાવોનો ઉલ્લેખ કરે છે. ૨૫મી ગાથામાં જિનેશ્વર ભગવાન શુધ્ધ સ્વરૂપે છે અને વિપક્ષમાં તેમનું બાહ્ય વર્ણન છે. અહીં ૨૬મી ગાથામાં સાધક પ્રારંભથી જ ગોથું ખાય છે અને ગુરુભાવના નિર્ણયમાં મોટી ભૂલ કરી ઊંધે રસ્તે ચાલે છે. ૨૫મી ગાથામાં દેવ સંબંધી નિર્ણયમાં ભૂલ કરે છે તે બતાવી હવે ગુરુ સંબંધી નિર્ણયમાં ભૂલ કરે છે તેનો આભાસ આપે છે. અધ્યાત્મલક્ષી વ્યકિત માટે દેવ અને ગુરુ, એ બંને મોટા સ્તંભ છે અને તે બાબતમાં સાચો નિર્ણય હોય તો જ વ્યકિત યોગ્ય રસ્તે જઈ શકે. આ ગાથામાં ગુરુ સંબંધમાં અયોગ્ય નિર્ણય કરી જે ભૂલ કરે છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરેલો છે.
ગુરુ તત્ત્વ તે ધાર્મિક સાધનાઓમાં પ્રધાન સ્થાન ધરાવે છે. ગુરુ વિશે સચોટ માર્ગદર્શન હોય તો જ ગુરુકુળતાને પણ તારે છે પરંતુ એથી વિપરીત યોગ્યતા રહિતના ગુરુ એ વાસ્તવિક ગુરુ પદને શોભાવતા નથી અને તેની જાળમાં જો મનુષ્ય આવે તો ગાડી આડે પાટે ચડી જાય, આ વસ્તુ ઘણી માર્મિક છે.
શાસ્ત્રકારે ૨૬મી ગાથામાં ગુરુ ગુણ રહિત એવા વ્યકિતનું ઉચ્ચારણ કર્યું છે, તેનાથી પ્રાપ્ત થતાં પરિણામ તથા તેનાથી ઊભો થતો મહાગ્રહ આત્મસાધનામાં મોટો અવરોધ છે, આ હકીકત પરોક્ષ ભાવે કહેલી છે.
હવે આપણે મૂળ ગાથામાં સ્પર્શ કરીયે.
૨૭૯