________________
આદરણીયભાવ કે પરમ આનંદનો વિષય એ છે કે આ બધી અવસ્થામાં આનંદઘન આત્મા અખંડ રહી પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થતો નથી. યોગ અને ઉપયોગના આધારે શુભાશુભ ભાવોને ભજે છે આ બધી કર્મજનિત પર્યાયો ઉદ્ભવે છે અને લય પણ પામે છે. પરંતુ ગુરુકૃપાથી કૈં કોઈ પ્રબળ પુણ્યના યોગથી કે સ્વાભાવિક નિસર્ગ બળે જેની જ્ઞાન ચેતના જાગૃત થઈ છે તેની દષ્ટિ દ્રવ્ય ઉપરથી હટી દષ્ટા તરફ જાય છે. નિમ્નગામી દૃષ્ટિ ઊર્ધ્વગામી બને છે અને પૂર્વમાં જેને જાણ્યો ન હતો, તેવા શકિતપૂંજ શાશ્વત આત્મા પરમાત્મારૂપે દ્રષ્ટિગોચર થાય છે. આ સમયે બધા વિભાવના પરિબળો ઘણી માત્રામાં શાંત અને ઉપશાંત થયા હોય છે. મિથ્યાત્વનું ઘાટું અંધારું લય પામીને મંદ પ્રકાશ જાગૃત થયો હોય છે. તે સમયે એને સમજાય છે કે હું કોણ છું ? અથવા આ ચૈતન્ય શકિત શું છે, ત્યારે તેને અનંત ગુણનો પિંડ એવો ગુણથી ભરેલો કોઈ ઝવેરાતનો ખજાનો હોય તેમ તેને આત્મા દૃષ્ટિગોચર થતાં બાકીના બધા મૂલ્યો બદલાઈ જાય છે અને જીવનનું સાચું મૂલ્યાંકન થાય છે. અસંખ્યાત પ્રદેશથી વ્યાપ્ત, સંકોચ—વિકાસશીલ, સમગ્ર શકિતનું નિધાન, બધા દ્રવ્યોથી નિર્લિપ્ત, ઉદયભાવોથી નિરાળું, જાજવલ્યમાન અસંખ્ય સૂર્યથી પણ વધારે તેજસ્વી તેવા આત્માનું દર્શન થાય છે. અછેદ્ય, અભેદ્ય, નિત્ય, અખંડ, ધ્રુવ, પરમ સત્ય, જેને અંગ્રેજીમાં Real truth તેવો, સત્યના ગજથી જેનું માપ થઈ શકે તેવો પ્રમાણબદ્ધ, પ્રમાણશુધ્ધ, અકાટય તર્કોથી જેની સ્થાપના થયેલી છે, તે પરમ બુધ્ધ, પરમબ્રહ્મ પરમાત્મા આત્મા છે.
અહીં આત્મજ્ઞાનના અર્થી જીવની બંને અવસ્થાને સમજીને સાચી શાશ્વત અવસ્થાનો સ્વીકાર કરવો તે આત્મજ્ઞાન છે. વૈરાગ્ય, સત્કર્મ, સાધના, ભિકત જે કાંઈ છે તેનું લક્ષ પરમાત્મ તત્ત્વની પ્રાપ્તિનું છે, એટલે જ અહીં આ કડીમાં કહેવામાં આવ્યું છે કે “વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન”. આટલા વિવેચન પછી આ છઠ્ઠી કડીનો પૂર્વ ભાગ સ્પષ્ટ થઈ જાય છે. પ્રથમ પદમાં વૈરાગ્ય આદિ લખ્યું છે તો આદિમાં શું લેવાનું છે અને શું છોડવા જેવું છે તે જાણીએ.
અહીં વૈરાગ્ય આદિ એમ શા માટે કહ્યું છે ? સિધ્ધિકારના લક્ષમાં વૈરાગ્ય અને આત્મજ્ઞાન તે બે પ્રમુખ સાધન છે, પરંતુ વૈરાગ્યાદિ કહેવાથી વૈરાગ્ય શબ્દ પર્યાપ્ત નથી તેવું લાગે છે. વૈરાગ્યમાં વિરકિતનો ભાવ છે. ક્રિયાકાંડ અને શુષ્કજ્ઞાન આ બંનેનો નિષેધ કર્યા પછી સિધ્ધિકા૨ે વૈરાગ્યને આદરણીય માન્યો છે તે સ્પષ્ટ થાય છે. પરંતુ વૈરાગ્ય જેવા બીજા પણ કેટલાક તત્ત્વો છે, જે આદરપાત્ર છે. દાન, સેવા, પરોપકાર, એવા બીજા મંગલમય તત્ત્વો જે શાતાકારી છે, તેમાં કદાચ વૈરાગ્ય ન હોય તો પણ આ બધા તત્ત્વો નિષેધ કરવા લાયક નથી પરંતુ શરત એ છે કે સાથે આત્મજ્ઞાન હોવું જોઈએ, અન્યથા આ બધા તત્ત્વો અહંકાર, ભેદભાવ, પક્ષપાત, બદલો પામવાની ઈચ્છા તેવા બધા દોષોને ઉત્પન્ન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આદિ શબ્દથી બધા શુભ કાર્યો પણ લઈ શકાય છે. તેમાં સ્વાધ્યાય, ધ્યાન, મંત્રજાપ, ઈત્યાદિ ક્રિયાનો પણ સમાવેશ થઈ શકે છે. જો તે બધામાં વૈરાગ્યનો સંપૂટ હોય તો વૈરાગ્ય વિના આ બધા ક્રિયાકાંડ બાહ્ય ક્રિયાઓ બની ક્રિયાજડતા ઉત્પન્ન કરે છે. અહીં એટલું જ કહેવાનું છે કે વૈરાગ્યયુકત બધા શુભ કાર્યો પણ આત્મજ્ઞાનની અપેક્ષાવાળા છે. જેમ હીરાનો નંગ, અથવા સાચું મોતી સોનામાં જડેલું હોય તો તે યોગ્ય સ્થાનમાં રહી શોભારૂપ બને છે. તેમ અહીં પણ આ બધા સાધનાના મોતી
૧૦૫