________________
( ૬ )
ઉપાડેલો બોજો ફેંકી દેવા જેટલો સહેલો નથી. પણ યુક્તિ પૂર્વક ધીમે ધીમે પોતાની લાયકાત પ્રમાણે ત્યાગ કરવાની જરૂર પડે છે. આસક્તિ અને જરૂરીયાતો ઓછી કર્યા વિનાનો ત્યાગ રૂપાંતરે તેને ફસાવનારો, અને અજ્ઞાન તથા અભિમાન વધારનારો થાય છે.
વસ્તુતત્ત્વના નિશ્ચય પછીનો ત્યાગ, પોતાના ખરા કર્તવ્યને સમજ્યા પછીનો ત્યાગ તેનો માર્ગ સરલ કરી આપનારો, વિઘ્નોને હઠાવનારો અને આત્માની નિર્મળતા કરાવી આપનારો થાય છે. આ ગ્રંથનો ઉદ્દેશ એ જ છે. અને એટલા માટે આ ગ્રંથનું આત્મ વિશુદ્ધિ એવું નામ આપવામાં આવ્યું છે. કેમ કે આ ગ્રંથની અંદર વસ્તુતત્ત્વનો નિશ્ચય કરાવીને જીવને પોતાના ખરા કર્તવ્ય તરફ દોરવામાં આવેલ છે.
આ માયાના ખરા સ્વરૂપને સમજીને જીવ તે તરફથી પાછો હઠી પોતાના સત્ય સ્વરૂપ આત્મા તરફ વળે તે આ ગ્રંથનો ઉદ્દેશ છે. માયાના—પુદ્ગલના ત્યાગ વિના આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. માયા, અજ્ઞાન, કર્મો, પુદ્ગલો, આસક્તિ વિગેરે જે કાંઈ આત્માને આવરણ રૂપ થઈને તેના ખરા સ્વરૂપને પ્રગટ કરવા દેતું નથી તેનો ત્યાગ કરવો જ જોઈએ, એ આ ગ્રંથનો વિષય છે. એટલા માટે જુદાં જુદાં સાધનો દ્વારા શુદ્ધ આત્માને પ્રગટ કરવાનું આ ગ્રંથમાં બતાવવામાં આવેલ છે.