________________
૪૪ ૨ આત્મવિશુદ્ધિ
જાણ્યું કે અંદરથી મને કોઈએ પકડ્યો છે, તેથી ચીચીઆરી કરી મૂકી, પણ મુઠી છોડી ન દેવાથી ત્યાંથી તે ખસી શક્યો નહિ અને તેના માલિકના હાથે માર ખાધો. આ વાંદરાની મુક્તિનો ઉપાય એ જ હતો કે તેણે મુઠીમાં ભરેલી વસ્તુ મૂકી દેવી. આ જ પ્રમાણે મોહમાં મુંઝાયેલા મનુષ્યો જડ ક્ષણભંગુર વસ્તુને પોતાની માની મમત્વની મુઠીમાં તેને પકડી રાખીને પછી હેરાન થાય છે, દુઃખો અનુભવે છે અને પોતાને બંધાયેલો કે કોઈ સંબંધીએ પકડી રાખેલો માને છે. પણ વાંદરાની માફક પોતાની મમત્ત્વની મુઠી ખાલી કરી દે—મૂકી દે તો તે મુક્ત જ છે. પોતાની અજ્ઞાનતા યા પોતાનો મોહ જ આ જીવને બંધનમાં નાખનાર છે. તે સિવાય કોઈ તેને પકડી રાખનાર નથી.
ઇન્દ્રિયોના વિષયોમાં અને તેના સાધનોના રક્ષણમાં સદા વ્યગ્ર થયેલા જીવોમાં આત્માની ચિંતા ક્યાંથી હોય? તેની બુદ્ધિમાં નિર્મળતા ક્યાંથી થાય? તેને શુદ્ધ ચિત્તૂપની પ્રાપ્તિ ક્યાંથી મળે? અને તેના અભાવે આત્માથી ઉત્પન્ન થતું સુખ કેમ મળે? જીવને પ્રથમ દેહમાં આત્માપણાની ભ્રાંતિ થાય છે, પછી મોહને લઈને જગતમાં ભ્રાંતિ થાય છે, પછી પરદ્રવ્યોને અંગે થતી અતિ સંતાપ કરવાવાળી ચિંતામાં સતત્ વધારો થાય છે. ધન્ય છે તે આત્માઓને! કે જેઓ પરદ્રવ્યનો ત્યાગ કરીને જ્ઞાન અને આનંદના ઘર તુલ્ય પોતાના આત્મભાવમાં પ્રવૃત્તિ કરી રહ્યાં છે, તેવા પવિત્ર આત્માઓને વારંવાર નમન કરૂં છું. જેઓ શુદ્ધ આત્મ