________________
શ્રદ્ધાંજલિ - અર્પણ : સ્વ. પિતાશ્રી શાંતિલાલ મણીલાલ શાહ સ્વ. માતૃશ્રી શાંતાબહેન શાંતિલાલ શાહ
સ્વ. પિતાશ્રી દામોદરદાસ સુરચંદ શાહ સ્વ. માતૃશ્રી સમરથબહેન દામોદરદાસ શાહ
આપના દ્વારા મળેલા સુસંસ્કારો માટે અમે ઋણી છીએ, આપની પવિત્ર સ્મૃતિ માટે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરી આપના ચરણમાં અર્પણ કરીએ છીએ. દીલીપભાઈ શાંતિલાલ શાહ ૦ દર્શના દામોદરદાસ શાહ
* અભિવાદન * દર્શન અને દિલીપભાઈનો લગભગ ૧૯૯૧થી પરિચય થયો. અમેરિકાના સત્સંગ પ્રવાસ દરમ્યાન ઓરલાન્ડો જવાનું થતું ત્યારે તેઓ તેમના રહેઠાણથી બસો પચાસ માઈલ દૂર ઓરલાન્ડો મિત્રને ત્યાં રહેવા આવતા. અને સત્સંગનો પૂરો લાભ લેતા, સમજાય તે બોધ આચરણમાં મૂકતા. આજ સુધી તેમણે મારી સાથેનો સત્સંગ અમદાવાદમાં ચાલુ રાખ્યો છે. સત્સંગના રંગથી રંગાઈને અમેરિકા છોડીને અમદાવાદ સ્થાયી થયા છે. દર્શનાબેને માસક્ષમણ જેવી અનેકવિધ તપશ્ચર્યાઓ મૌન સાથે કરીને જીવનને પાવન કર્યું છે. દિલીપભાઈએ પૂરો સાથ આપ્યો છે. વળી સાથે સાથે દર્શના બહેને સામાયિકનું અનુષ્ઠાન પૂરું કર્યું. અને દિલીપભાઈએ નિવૃત્ત થઈને શરૂ કર્યું. તે દરમ્યાન તેમના હાથમાં સામાયિક યોગનું પુસ્તક આવ્યું અને તેમને ભાવ થયો કે આ પુસ્તકનું પુનઃ પ્રકાશન કરવું. તેમની આ ભાવનાનો મેં સ્વીકાર કર્યો અને સહજ તેમના દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું તે માટે તેમનું અભિવાદન કરું છું અને હાર્દિકભાવે તેમની આરાધના ભવમુક્તિ માટે પ્રયોજાય તેવી પ્રાર્થના કરું છું.
અમેરિકાની સત્સંગ યાત્રામાં આવા ભાવિકોનો પરિચય થયો અને આજ સુધી સ્થાયી રહ્યો તેનો આનંદ છે. સામાયિક યોગનું પુસ્તક ભવિજીવોને ઉપયોગી થશે તેવી ભાવના રાખું છું.