________________
પરિણામ ગ્રંથિભેદ છે જે મોક્ષનું પ્રવેશદ્વાર સમ્યગુદર્શન છે. આસક્તિથી બંધાયેલી મોહની ગ્રંથિ વૈરાગ્યથી તૂટી જાય છે. સમ્યકત્વ પ્રગટ થાય છે. પછી સમ્યગુ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે કોરું ચારિત્ર નથી. આત્માને વિજાતીય તત્ત્વોથી મુક્ત કરવો તે ચારિત્ર છે. તેથી આત્મા સ્વસ્વરૂપમાં અધિષ્ઠિત થાય છે. તેમાં મૂળ સમ્યકત્વ છે. આત્માઓ મુક્ત થયા, મુક્ત થશે. મુક્ત થાય છે તે સમ્યકત્વના પ્રભાવથી છે.
આત્મિક સમભાવ એ છે કે જે જગતની ચેષ્ટાઓને સ્પંદન રહિત, વિકલ્પ રહિત જૂએ છે. કર્તા અને કર્મના ભોગથી દૂર રહે છે. આ જ આત્મ રમણતા છે. સ્પંદન મનાદિ શરીર જન્ય ધર્મ છે. તેને જૂએ જાણે પણ યોગી શાંત રહે છે તે આત્માનંદનો અનુભવ કરી શકે છે. જેટલો વીતરાગ ભાવ તેટલો આત્મધર્મ.
સાધક અશુભ પ્રવૃત્તિને છોડવા શુભ પ્રવૃત્તિ કરે છે તેનું લક્ષ્ય બંનેથી મુક્ત થવાનું છે પરંતુ શરીરાદિની અપેક્ષાએ કંઈ ક્રિયા કરે છે. તે પાપ રહિત કેવી રીતે થાય? આથી ભગવાને યતના, જાગરૂકતા, સચેતનતાને ધર્મની જનની કહી છે. તેમાં ઘણું ઉંડાણ છે. ચાલવું, બેસવું, ઉઠવું દરેક ક્રિયા સમયે આત્મસ્મરણ રહે. તેથી પ્રમાદ દૂર થશે. આત્મ માત્ર જ્ઞાનસ્વરૂપે જાગૃત હશે.
સંયમ = મનાદિનો યોગનો નિરોધ, નિષ્ક્રિયતા, જેનો અર્થ છે શુધ્ધાત્માની પ્રાપ્તિ. જો કે એવી પૂર્ણ નિષ્ક્રિયતા પ્રથમથી પ્રાપ્ત થતી નથી. તે માટે ક્રમિક સાધના હોય છે. પ્રથમ અશુભ પ્રવૃત્તિઓનું સંવરણ, જેમ જેમ આગળ વધે તેમ સંવર સધે. પછી ઈન્દ્રિયાદિનો નિરોધ થાય, પછી બહારથી નિષ્ક્રિય અને અંતર પૂર્ણ જાગૃતિ હોય છે. તેજ શુધ્ધ, આત્મોપલબ્ધિની ક્ષણ છે. વાસ્તવિક સંયમ છે.
આવા સંયમનું ગૌરવ આજે ઝાંખુ પડયું છે. શબ્દ રૂઢ થઈ ગયો. સંયમ જેવા ઘણા શબ્દો રૂઢ બન્યા. આચારણ, શુદ્ધિ ગૌણ થઈ. જેટલા આજે ક્રિયા કાંડો છે તેનું પૂર્વે એક સૌંદર્ય હતું, મહિમા હતો, ચૈતન્ય જાગૃત રહેતું કાળચક્રના પ્રવાહમાં તે સર્વે ક્રિયાકાંડો રૂઢ થઈ ગયા, તેમાંથી ચૈતન્ય જતું રહયું. મોસમની જેમ ઉજવણી થયાનો સંતોષ થઈ ગયો. ચેતના ભૂલાઈ ગઈ.
૨ ૨૩