________________
પ્રથમના બે સામાયિકનો જીવનમાં અવિરત અભ્યાસ કરતાં જયારે આત્મ સ્વભાવમાં તન્મયતા થતાં નિર્વિકલ્પ, ચિત્માત્ર સમાધિ સિદ્ધ થાય છે, ત્યારે ત્રીજું ‘સમ્મ’ સામાયિક પ્રગટે છે.
આ ભૂમિકામાં સમતાનો અસ્ખલિત પ્રવાહ વહે છે, ચંદનની સુવાસની જેમ સમતા સહજપણે આત્મસાત્ બને છે. પ્રશાંતવાહિતા અને સહજ સમાધિ વગેરે નામોથી પણ આ ભૂમિકાને ઓળખાવવામાં આવે છે.
સામાયિકનો પ્રાથમિક અભ્યાસ જીવનમાં સાવદ્યયોગ અર્થાત્ પાપપ્રવૃત્તિના ત્યાગ માટે જિનાજ્ઞા મુજબ પ્રયત્ન કરવાથી થાય છે.
સમતાના અર્થી આત્માએ બાહ્ય અનુષ્ઠાનોની આરાધના સાથે જીવો પ્રત્યે દ્રવ્ય અને ભાવ કરુણાનો તથા શુભ ધ્યાનનો સતત અભ્યાસ કરવો જોઈએ.
સર્વ યોગોમાં શુભ ધ્યાનની પ્રધાનતા છે. ધ્યાન એટલે અન્તર્મુહૂર્ત સુધી ચિત્તની એકજ વિષયમાં સ્થિરતા.
ધર્મધ્યાન અને શુકલધ્યાન બન્ને પ્રશસ્ત ધ્યાન છે. પિંડસ્થ, પદસ્થ આદિ ધ્યાનોનો ધર્મધ્યાનમાં સમાવેશ થઈ જાય છે.
ધ્યાન અને સમતા એકબીજાનાં પૂરક છે. ધ્યાનથી સમતા પુષ્ટ બને છે અને સમતાથી ધ્યાન પુષ્ટ બને છે.
સર્વયોગોમાં સમતા શ્રેષ્ઠયોગ છે. બીજા સર્વ યોગોની સફળતા સમતા વડે જ છે. નિરંતર સમતાને લાવવા અને જીવવાનો નિરંતર પ્રયત્ન અને સતત સાવધાની એ જ સાધક જીવનનું લક્ષણ છે.
સુશ્રાવિકા સુનંદાબેન તત્ત્વજ્ઞાનના રસિયા છે. દેશ પરદેશમાં તેમના તત્ત્વજ્ઞાનના કલાસમાં સેંકડો બહેનો જોડાય છે. અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ હોંશે હોંશે કરે છે.
સામાયિક અંગેનું તેમના આ પુસ્તક સામાયિકના વિષયમાં અનેક માહિતીઓ પૂરી પાડી છે અને જીવનને સમતામય બનાવવાનો સુંદર બોધ-પાઠ આપે છે.
સહુ વાચકોના જીવનમાં સામાયિક અંગેની જિજ્ઞાસા, શ્રદ્ધા અને વર્તના વધે અને તેમાં સફળતા મેળવે એ જ એક શુભેચ્છા.
૯
-
વિજ્યકલાપૂર્ણસૂરિ ઈ.સ. ૧૯૯૯