________________
કુટુંબના કબીરવડ સમા, સ્નેહના સાગર સમા, થાકેલાના વિસામારૂપ, વંદનીય માતુશ્રીને કોટી કોટી વંદન...
જૈન કુળમાં આપની કુક્ષીએ જન્મ આપી અમને બાળપણથી જ જૈન ધર્મના સંસ્કાર આપી અમારું જીવન ઘડતર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. સવારે તૈયાર કરી નિયમિત વિદ્યાશાળામાં પાઠશાળામાં ભણવા મોકલ્યા. વાર તહેવારે અને ખાસ આપ જયારે કોદળીની ખીચડી બનાવતા ત્યારે પૂજ્ય મહારાજ સાહેબને વહોરવા માટે વિનંતી કરવા મોકલતા અને સાથે જ પતાસા પોળમાં લઈ આવવાનું કહેતા તે સંસ્કારની યાદ અને સુવાસ કયારે પણ જાય તેમ નથી.
આપશ્રીને બાળપણથી જ દીક્ષા લેવાની ભાવના હતી તે તમે ઘરને જ ઉપાશ્રય જેવો બનાવી પૂર્ણ કરી. આપણા પંકજના બંગલામાં અમુક રૂમ લગભગ કાયમ માટે સાધુ-સાધ્વીજી માટે ખુલ્લા રહેતા અને તેમનો નિત્ય લાભ મળતો. અનેક સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ આપને કહેતા “તમે અમારા ધર્મના મા-બાપ છો.’
અનેક સામાજીક અને આર્થિક કઠનાઈ વચ્ચે પણ આપે ધર્મ અને સંસ્કાર સદાય રાખી જીવનને દિવ્ય બનાવ્યું. પતાસાપોળના ભાડાના ઘરમાં રૂા. ૧૦૦ની મહીનાની આવકમાં ઘર ચલાવી પંકજ સોસાયટીના બંગલામાં રહી લાખ્ખો રૂપિયાનો વહીવટ કર્યો. લોદરા જેવા નાના ગામમાં જન્મ લઈ, અમદાવાદ આવ્યા અને ત્યાંથી અમેરિકા આવી વહુને દીકરી સમાન સાચવીને સંકેત-પારસને ધર્મના સંસ્કાર આપ્યા, અને પરદેશના વાતવરણમાં જૈન ધર્મ સાચવીને રહ્યા.
વિજાપુર વીશાશ્રીમાળી જ્ઞાતિનું મંડળ અને પંકજ સોસાયટીનું શ્રી સંભવ જૈન મંડળમાં તથા ઉપાશ્રયમાં આપે છેલ્લા શ્વાસ સુધી જૈન ધર્મને સંભાળીને સેવા આપી.
આપે જીવનભર અમને આપ્યું છે અને આજે પણ અમે આપની પાસે માંગી લઈએ છીએ આપના આશીર્વાદ, અમીદ્રષ્ટિ અને સદ્ગુણોનો વારસો...
પરમકૃપાળુ પરમાત્મા આપના આત્માને ચિર શાંતિ અર્પે... એજ પ્રાર્થના.
દીપક અને ધર્મી
તથા
આપનો વિશાળ પરિવાર