________________
યોગ વિશે મહર્ષિ પતંજલિ
યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ અથવા ચિત્તવૃત્તિના સંસ્કારની શેષ અવસ્થા. યોગના આઠ અંગો :
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-આ આઠ યોગનાં અંગ છે. (૧) યમ :
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ છે. આ પાંચેયમાં અહિંસા મુખ્ય છે. અહિંસાના અવિરોધથી જ અન્ય ચારનું અનુષ્ઠાન કરવાનું છે. અહિંસાને વિરોધીને બીજા ચારનું અનુષ્ઠાન કરવામાં આવે તો તે નિષ્ફળ છે. બાકી ચારનું અનુષ્ઠાન પણ અગત્યનું છે.
જેમ જેમ બ્રાહ્મણ (સાધક) નાનાવિધ વ્રતોનું ગ્રહણ કરે છે તેમ તેમ હિંસાનાં કારણોથી નિવૃત્ત થતો અહિંસાને નિર્મળ કરે છે.
(અ) અહિંસા : યોગના અંગભૂત એવી અહિંસાનું સ્વરૂપ આ પ્રમાણે છે. આશ્રમવિહિત નિત્યકર્મના અવિરોધ કરીને સર્વ કાળે, સર્વ અવસ્થામાં તથા સર્વ દેશમાં સર્વ પ્રાણીને મન, વાણી અને કાયાએ કરીને દુઃખની ઉત્પત્તિ ન કરવી.
યોગસાધકે નિત્યકર્મ અવશ્ય કરવાનાં છે. ક્રિયામાત્રથી શુદ્રજંતુનો નાશ થાય છે, અથવા તેમને પીડા થાય છે. તે પ્રકારની પીડા અનિચ્છાએ થતી હોવાથી, તે હિંસાની નિવૃત્તિ અર્થે પ્રાયશ્ચિત કરવું. ભૂમિકા પ્રમાણે ક્રિયા યોજવી. યોગીમાં અહિંસાની સ્થિરતા હોવાથી તેની પાસે હિંસ્ત્ર ભાવનાવાળાં પ્રાણીઓ પણ વૈરનો ત્યાગ કરે છે.
(બ) સત્ય ? અસત્યથી નિવૃત્તિ રાખવી. જે વાત ખોટી હોય તથાપિ જો વક્તા સાચી માની અન્યને પ્રતિપાદન કરે તો તેમાં તેને અજ્ઞાનનિમિત્તક પાપ લાગે છે. વળી વિપરિત અર્થનો બોધ કરવો તે સત્યરૂપ નથી. જે વાક્યથી સાંભળનારનું કે લોકનું વાસ્તવિક હિત થતું ન હોય તે વાક્યનો પ્રયોગ સત્યરૂપ નથી. સત્યની સ્થિરતા થવાથી યોગીને વચનસિદ્ધિ થાય છે. અર્થાત્ તેના વચનમાં એવી અમોઘ શક્તિ આવે છે કે ધારેલો સંકલ્પ સિદ્ધ થાય છે.
૧૯૭