________________
છેલી મજલ!
૩૦૭ દરબાર હોલમાં આશ્ચર્યચકિત થયેલા દરબારીઓ જુદાં જુદાં ટેળાં વળીને ઊભા હતા અને કંઈક ચિંતાભરી ગુસપુસ કરતા હતા. તે બધાની નજર રાણીજી જે કમરામાં હતાં તે કમરાના બારણા તરફ હતી. રૅલેએ ટ્રેસિલિયનને ઝટ એ બારણામાં થઈ અંદર પહોંચી જવા જણાવ્યું.
ટ્રેસિલિયન પોતે ધડકતા હૃદયે અંદર પેઠો, તે રાણી ખૂબ ગુસ્સામાં આમથી તેમ આંટા મારતાં હતાં. જે રાજ્યાસન ઉપરથી તે ગુસ્સામાં ઊભાં થઈ ગયાં હતાં તેની સામે લિએસ્ટર હજુ ઘૂંટણિયે પડીને નીચે એ પૂતળાની જેમ બેસી રહ્યો હતો. તેની પાસે ઇંગ્લેન્ડને અર્લ માર્શલ લૉર્ડ યૂઝબરી પોતાના દંડ સાથે ઊભો હતો. લિસેસ્ટરની તલવાર તેને કમરપટેથી છૂટી કરેલી હતી અને તેની સામે જમીન ઉપર પડેલી હતી. રાણીજીના બે કે ત્રણ અંગત સલાહકારો રાણીજીને ગુસ્સો જોઇ એકબીજા સામે ચિંતાભરી નજર નાખતા, અને રાણીજી કંઈક શાંત થાય તેની રાહ જોતા, કંઈક બોલવા માટે ચૂપ ઊભા હતા.
ટ્રેસિલિયન અંદર આવતાં જ રાણી તેની નજીક આવીને તડૂકી ઊઠી, “તું આ બધું રૂપાળું જે ચાલતું હતું તે જાણતો હતો – તું અમારા પ્રત્યે આચરવામાં આવેલી ધોખાબાજીમાં સાગરીત જ હતો – તું જ અમારે હાથે અન્યાય થવાનું મુખ્ય કારણ છે!”
ટ્રેસિલિયન રાણીજીના ગુસ્સાની ક્ષણે ચૂપ રહેવામાં ડહાપણ સમજી તેમની સમક્ષ માત્ર ઘૂંટણિયે પડયો.
“કેમ તું મૂંગભૂગો છે કે શું? તું આ બધું જાણતો હતો કે નહિ?”
“માનવંત નામદાર, આ બિચારી બાનુ કાઉન્ટસ ઑફ લિસેસ્ટર હતી, એ હું હરગિજ નહોતે જાણતે.”
“અને હવે કોઈ જાણશે પણ નહિ – બહુ તો રાજદ્રોહી રૉબર્ટ ડલીની વિધવા ઍમી ડલી તરીકે જ તે ઓળખાશે.” રાણી ભયંકર ધમકી ઉચ્ચારી બેઠી.
“મૅડમ,” લિસેસ્ટર હવે બોલી ઊઠ્યો; “આપને જે ગુજારવું હોય તે મારા ઉપર ગુજારજો – પણ આ બહાદુર જુવાનને કંઈ ન કહેતાં – તેને આ બધામાં કશો વાંક નથી.”
“અને તું એનો બચાવ કરવા આવે છે,” એમ બોલતી રાણી ટ્રેસિલિયનને છેડી લિસેસ્ટર તરફ દોડી ગઈ; “તું કે જે બમણો જુઠો – બદમાશ