________________
ન વેશ - નવી કામગીરી અરે તારી પ્રયોગશાળા કરતાંય બીજી મોટી પ્રયોગશાળા તને તૈયાર મળશે. કારણકે એબિંગ્ડનના સાધુઓમાંના એકે તારી પેઠે પોતાની જાતને સેતાનને વેચી દીધી હતી, અને તે પણ સારી પેઠે પારસમણિનું દ્રવ્ય શોધવા માથાકૂટ કર્યા કરતો હતો. તે કયારને મરી ગયો છે. અને તેની એ આખી પ્રયોગશાળા એ મકાન સાથે મારા કબજામાં આવી ગઈ છે. ત્યાં તું જેટલા ઉકાળા-કાઢા ગાળવા હોય તેટલા ગાળ્યા કરજે અને સંતાનનું તર્પણ કરજે.”
ભલે, માસ્ટર વાર્ને, તું અત્યારે મારી ઠેકડી કર્યા કર. પણ મારે મારી વિદ્યામાં એક જ પગથિયું બાકી રહે છે. અને પછી હું જોઈ શકશે કે, નવી દુનિયામાંની ખાણો જેટલું સોનું આપી શકે છે તેના કરતાં મારી પાસે સોનાના અખૂટ અને મોટા ભંડાર થઈ ગયા હશે, જેથી મારે પછી રાજ-માનીતાના માનીતાઓની ગુલામી નહિ વેઠવી પડે!”
શાબાશ, શાબાશ! પણ ભલાદમી, તારી એ વાતોનાં બણગાં મારા લૉર્ડ લિસેસ્ટરના ખિસ્સામાંથી કે મારા ખિસ્સામાંથી એક સોનૈયો પણ નહિ કઢાવી શકે. એ માટે તો તારે અમારી નક્કર – દુન્યવી સેવાઓ બજાવવી પડશે. એટલે તારે ત્યાં જઈને પહેલપ્રથમ તો મને તારા સેઈન્ટ નિકોલસના મૅનેનો બીજો ડોઝ તૈયાર કરી આપવો પડશે.”
હું એ ઝેરને વધુ ડોઝ તૈયાર કરવાનો નથી.”
તે તે જે ડોઝ બનાવ્યો હતો તે માટે તને હું ફાંસીએ ચડાવી દેવરાવીશ. પણ માનવજાતને એટલું બધું નુકસાન થાય એમ હું ઇચ્છત નથી – એટલે તું તારી વિદ્યા સાથે જીવતો રહે એમાં જ તારું ને દુનિયાનું ભલું છે! પણ તારા આ નવા ડોઝને ઉપયોગ મારે કોઈને મારી નાખવા માટે આ વખતે કરવો નથી. તે જ કહ્યું હતું કે, એ ઝેરને થોડી માત્રામાં આપવામાં આવે, તો તે માણસમાં માત્ર ગમગીની, ઢીલપણ, ઊબકા, માથાને દુ:ખાવો, અને સ્થળફેર કરવાની નામરજી – એવા એવા ઉપદ્રવો જ ઊભા કરે છે. તું તો એમ કહેતો હતો કે, પાંજરામાં પૂરેલા પંખીને એ ઝેર આપ્યું હોય, તો તેના પાંજરાનું બારણું ઉઘાડું મૂકો તો પણ તે ઊડી જવા મન ન કરે !”
“ખરી વાત છે; પણ હું તેને બાંધો જોઈને નક્કી કરી આપું તે પ્રમાણમાં એ આપો તો જ.”