________________
જયણાની શિક્ષાપત્રી
જૈન કોમ આટલી ઉજળી, તેજસ્વી અને આગળ પડતી છે તે જિનપૂજા - જીવદયા અને જયણાને આભારી છે. જૈનો જિનપૂજા - જીવદયા અને જયણાને કુળદેવીની જેમ સન્માને છે. પરંતુ અફસોસ સાથે એકરાર કરવો પડે છે કે હવે આ ત્રણેય કુળદેવીની ભક્તિમાં ઓટ આવી છે.
આધુનિકતાની આંધળી દોટ અને અજ્ઞાનતા. આ બે પરીબળોના કારણે જીવદયા અને જયણાની આજે ખાસ્સી ઉપેક્ષા કરવામાં આવે છે.
જૂના સમયમાં આપણી દાદીમા આ બાબતોમાં ખૂબ ચોક્કસ હતી. આ વિષયમાં ખૂબ માહિર હતી. રસોડામાં ચંદરવા-પૂંજણી વગેરે જયણાના સાધનો અવશ્ય રાખવામાં આવતા પરંતુ આધુનિકતાના રંગે રંગાયેલી વહુઓનું સામ્રાજ્ય ઘરમાં આવ્યું ત્યારથી જયણાની જાળવણી ઘટતી ચાલી. તેઓની ઉપેક્ષાથી જાણે જયણાદેવી ઘર ત્યજીને ચાલી નીકળ્યા છે.
આજે આ નવા રંગે રંગાયેલી વહુ - દિકરીઓને ખબર જ નથી કે ઘરમાં જીવોત્પત્તિ કેમ અટકાવવી અને જીવોત્પત્તિ થઈ જાય તો જયણા કેવી રીતે કરવી? પૂર્વે આ બધું આપણા દાદીમાને મોઢે હતું. આ આખી બુક એમને કંઠસ્થ રહેતી હતી. આ પરિસ્થિતિને નજર સમક્ષ રાખી આ બુક તૈયાર કરવામાં આવી છે.
જીવદયા અને જયણાની આરાધના-પાલના ઘરમાં જેટલી વધારે હશે એટલું આરોગ્ય ઘરમાં સચવાશે. મંદવાડ દૂર ભાગશે. આજે ઘર ઘર હોસ્પિટલના ખાટલા બન્યા છે. તેનું કારણ ઘર જીવહિંસાનું કતલખાનું બન્યું છે માટે!