________________
' જયણા અભિયાન પૂજ્યપાદ પંન્યાસ શ્રી ચન્દ્રશેખર વિજ્યજી મ.સા. પ્રેરિત વર્ધમાન સંસ્કૃતિ ધામની પ્રવૃત્તિઓનો વ્યાપ યુવાનોની જીવનશુદ્ધિથી માંડીને સંઘસેવાના વિરાટ ફલક સુધી પથરાયેલો છે. જયણા-અભિયાન તેની વિવિધ પ્રવૃત્તિઓમાંની એક વિશિષ્ટ પ્રવૃત્તિ છે. આજ સુધી નાના પાયે જયણા પ્રચારના અનેક કાર્યક્રમો ધામે યોજ્યા છે. હવે વિરાટ પાયા ઉપર સુવ્યવસ્થિત રીતે જૈન સંઘમાં જયણા અંગેની જાગૃતિ ફેલાવવા માટેનું એક વિરાટ અભિયાન વર્ધમાન સંસ્કૃતિ ધામ આરંભે છે.
જાગૃતિ માટે જાણકારી જરૂરી છે. તેથી જયણાના વિવિધ સ્થાનો અને ઉપાયોની વ્યવસ્થિત જાણકારી મળે તે માટે આ સુંદર આદર્શ પુસ્તિકાં પ્રકાશિત કરવામાં આવે છે. આ પુસ્તિકા સાધંત તૈયાર કરવામાં પૂ. મુનિરાજશ્રી મુક્તિવલ્લભ વિજયજી મ.સા. આદિએ કિંમતી માર્ગદર્શન આપ્યું છે. જયણા વર્તનમાં તો શાંતિ જીવનમાં, હોમ ટુ હોસ્પિટલ, વગેરે કેટલાક પુસ્તકો પણ આ પુસ્તિકા તૈયાર કરવામાં ઉપયોગી બન્યા છે. આ પુસ્તકોના લેખકોનો પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ.
અત્યંત સૂત્રાત્મક શૈલીમાં જયણા અંગેનું કિંમતી માર્ગદર્શન આ પુસ્તિકામાં પ્રદર્શિત થયું છે. આ પુસ્તિકાના માધ્યમથી જૈન સંઘમાં જયણા અંગેની જાણકારી, જાગૃતિ અને પાલન ખૂબ વધે તે જ અમારી શુભ ભાવના છે.