________________
ધરતી માતા
થતી આબેહવાની તેમજ પાણીની પ્રક્રિયાથી જે ચુ કે ઘસારો પડે છે, તેમાંથી આંતર-જમીન તેમજ ઉપરની જમીનનું પડ પણ ઊભાં થાય છે, એ આપણે આગળ જોઈ આવ્યા છીએ.
એટલે જમીનમાં જો ફૉફેટ કે બીજાં ખનિજ દ્રવ્યોની ઊણપ ઊભી થઈ હોય, તો તે આપણી ખેતીની ભૂલ-ભરેલી પદ્ધતિથી જ ઊભી થઈ હોય. અને વસ્તુતાએ પણ એમ જ બન્યું હોય છે. વર્ષો દરમ્યાન ધીમે ધીમે આંતર-જમીન અને ઉપરના પડ વચ્ચેનું ખનિજ દ્રવ્યોનું અભિસરણ અટકી ગયું હોય છે. જેમકે, ઢોર-ઢાંખ સતત ફરતાં રહેવાથી, ખેતીનાં યંત્રો પસાર થયા કરવાથી, જંગલને અવારનવાર જમીન ઉપર ઊભું થવા દેવામાં આવતું ન હોવાથી, ગોચર તરીકેની ઘાસ હેઠળની જમીનમાં અવારનવાર ઊંડાં મૂળવાળા છોડનું વાવેતર ન કરવાથી, તથા રસાયણોને અતિ ઉપયોગ કરવાથી જમીનમાં ઉપરના પડ અને આંતર-જમીન વચ્ચે લોખંડના તવા જેવું પડ બંધાતું જાય છે. તેમાંથી મૂળ પસાર થઈ શકતાં નથી, નીચલા પડ સુધી હવા જઈ શકતી નથી અને પરિણામે પાકને જમીન ઉપરના ખેડેલા પાતળા પડમાંનું સાવ ચૂસીને જ જીવવું પડે છે. એમ એ ઉપરના પડમાંનાં ફોસફેટ્સ, પોટેશિયમ અને બીજાં અલ્પ પ્રમાણમાં મળતાં ખનિજ દ્રવ્યો
ખૂટી જાય છે. પછી ઢોરનું રુધિરાભિસરણ બરાબર ન થાય ત્યારે જેમ તેને સહન કરવું પડે છે, તેમજ જમીનને પણ સહન કરવું પડે છે. મરવા પડેલી જમીનને ફરી સજીવન કરવા માટે સૌથી પ્રથમ કરવાનું અગત્યનું કામ એ છે કે, આંતર-જમીન અને ઉપરના પડ વચ્ચેનું ફૉસ્ફટ વગેરે ખનિજ દ્રવ્યોનું કુદરતી અભિસરણ ફરી પ્રસ્થાપિત કરવું.
આને માટે તાત્કાલિક તે જમીનમાં “સબ-સૉઇલર” નામના ખાસ યંત્ર દ્વારા ચાર ચાર ફૂટ વેગળા અને બારથી ચૌદ ઇંચ ઊંડા ચીરા પડાવી દેવા. તે યંત્રથી ઉપરનું પડ જરા પણ તળે ઉપર થયા વિના નીચેના ઊંડા પડમાં જ જોરથી ડખોળવા જેવી ક્રિયા થાય છે.