________________
3
સ્વસિદ્ધિ
પાણી ભરવાના વાસણમાં એક પણ છિદ્ર હોય, તો તેમાં ગમે તેટલી વાર પાણી ભરવામાં આવે તો પણ તેમાંથી પાણી નીકળી જ જવાનું. મનને માટે પણ શું એવું નથી ? પ્રકૃતિ પોતાની અણમોલ અને અસંખ્ય ઉપહારોની આપણી પર સતત વર્ષા કરે છે. પણ જો મનમાં છિદ્રો પડેલાં હોય તો તે આ સુંદર ભેટોનો સ્વીકાર શી રીતે કરી શકે ? તે સદા અધૂરું યા ખાલી જ રહેવાનું.
આપણી વિચારસરણીમાં કોણ છિદ્ર પાડે છે ? તે છે આપણી મર્યાદાઓ અને દીવાલો, ગમા-અણગમાઓ, ધૃણા, આકાંક્ષાઓ, વિસ્તરણો, હકીકત વગરના નિર્ણયો. એક જ શબ્દમાં કહીએ તો તે 'કર્મ' પ્રકૃતિ છે. તે નિષ્પક્ષ છે. તેને કોઈને માટે પણ ભેદભાવ નથી. સૂર્ય બધા પર એકસરખો પ્રકાશ પાથરે છે, વરસાદ બધે એકસરખો વરસે છે, હવા બધાને એકસરખો પ્રાણવાયુ આપે છે, તેમ છતાં જેમ કમળાવાળો બધું પીળું જ દેખે તેમ આપણા અજ્ઞાનથી આપણે વિશ્વનું સાચું સૌન્દર્ય જોઈ શકતા નથી. પ્રકૃતિનું અસીમ સૌન્દર્ય આપણી આગળથી પસાર થઈ જાય છે પણ આપણે તેનો લાભ લઈ શક્તા નથી.