________________
૨૦૨ રામના અનેકાંત અને સ્યાદ્વાદ પણ આપણે ત્યાં પણ કૃષ્ણના અનુયાયી વર્ગમાં કૃષ્ણની સખી ‘રાધા' ને ભજવાનો એક રાધાસ્વામી' અને બીજો “શ્રી રાધે’ પંથ છે. પોતાની ઈચ્છિત પ્રિયતમાને પ્રાપ્ત કરવા માટે ભગીરથ પુરૂષાર્થ કરવાનો પુરૂષનો સ્વભાવ છે, એને લક્ષ્યમાં લઈને આવા કોઈ કોઈ પંથોના સ્થાપકોએ મુક્તિને “માશુક અથવા પ્રિયતમા બતાવી છે. લયલા-મજનુ અને શીરી-ફરહાદની જે પ્રેમ-કથાઓ છે તે આવા અનન્ય પ્રેમની પ્રતિપાદક છે.
જૈન ધર્મમાં પણ આત્માની અંતિમ મુક્તિને ‘શિવરમણી', “મોક્ષ લલના વિગેરે નામો આપવામાં આવ્યાં છે. પ્રત્યેક જૈન આત્માની આરાધ્ય દેવી તે આ મુક્તિ' જ છે. પ્રત્યેક મનુષ્યની આરાધ્ય દેવી પણ એ જ હોવી જોઇએ.
આરાધ્ય દેવી “મુક્તિ રમણી” ઉપરનો પ્રેમ જેટલો ઉત્કટ તેટલો તેને પ્રાપ્ત કરવા માટેનો પુરૂષાર્થ પણ જલદ.
કર્મબંધનાં કારણોના અભાવ (સંવર)થી અને કર્મક્ષય (નિર્જરા)થી રહ્યાં સહ્યાં . કર્મોનો નાશ કરતાં જ મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષમાં જ્યારે આત્મા જાય છે અને પોતાના હક્કનું સ્થાન મેળવે છે, ત્યારે શરીર, ઈન્દ્રિયો અને મનરૂપી કર્મવ્યાપારના કોઈ કારણો તેની સાથે હોતાં નથી. એનું જે શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે. જે પરમાત્મા સ્વરૂપ છે તે જ ત્યાં રહે છે.
જે મહાત્માઓ મોક્ષ પ્રાપ્ત કરીને પરમાત્મા બને છે, તેઓમાં સિદ્ધ અને તીર્થકર (અરિહંત) એવા બે ભેદ છે. સિદ્ધ પરમાત્મા પોતાના આઠે કર્મોનો ક્ષય કરીને મોક્ષને પામે છે અને અરિહંત પરમાત્મા પ્રથમ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તીર્થકર બને છે, અને બાકીના ચાર અઘાતી કર્મોનો ક્ષય થઈ મોક્ષમાં જવાનું થાય તે પહેલાં થોડો સમય આ વિશ્વમાં, આ જગતના જીવોને સાચો માર્ગ બતાવવાનો અસાધારણ લોકોત્તર ઉપકાર કરે છે.
એવા પરમ ઉપકારક શ્રી તીર્થંકર પરમાત્માને વંદન કરીને આપણે હવે, વિકાસક્રમની જે શ્રેણી દ્વારા તેઓ મોક્ષ પામ્યા અને આપણને માર્ગ બતાવતા ગયા, તે ચૌદ ગુણસ્થાનકને સંક્ષિપ્તમાં સમજી લઇએ.
(૧) મિથ્યાત્વ ગુણસ્થાનઃ
આત્માના વિકાસક્રમની આ પ્રથમ શ્રેણી છે. સમ્યગુ દષ્ટિ જેમને પ્રાપ્ત નથી થઈ, આત્મકલ્યાણના સત્ય માર્ગની અને એને લગતાં સાચા સાધનોની જેમને સમજણ નથી અને જેઓ અનેક પ્રકારના અજ્ઞાન તથા ભ્રમ લઈને ફરતા હોય એ બધા આત્માઓની ગુણવત્તા અંગેની આ પ્રથમ કક્ષા છે. આ ગુણસ્થાનકમાં, લૌકિક નજરે ઉચ્ચ કોટિના આત્માઓ મનાય છે તેવા સાધુસંતોનો સમાવેશ પણ થાય છે.