________________
૧૪૨
અનેકાંત અને સ્યાદ્વાદ મૂળ સ્વરૂપને ઓળખવામાં તો સ્વ-કલ્યાણની એક ઘણી મોટી અને આવશ્યક વાત પણ છે. સંસાર સુખો પ્રત્યે ઉદ્ધગભાવ કેળવી, પ્રાણીમાત્ર તરફ, જીવભાવ મૈત્રી અને કરૂણાભાવ રાખીને તથા નિર્લેપ ઉપકારભાવ ધરીને આત્મોદ્ધારનો પ્રબળ પુરૂષાર્થ શરૂ કરવામાં તો આત્માનું - આપનું – પોતાનું કલ્યાણ છે.
વળી, આત્માની મુક્તિનો માર્ગ, પેલા ઝેરના સ્વાદ જેવો ગૂઢ અને રહસ્યમય પણ નથી, સર્વજ્ઞ ભગવંતોએ એ માર્ગ આપણને બતાવેલો જ છે. એનું અનુસરણ કરવામાં કશી જ મુશ્કેલી નથી અને હોય તો પણ તે પોટેશિયમ સાઇનાડના જેવા પ્રાણઘાતક નથી; પ્રાણઉદ્ધારક છે. એનું આંશિક પાલન કરવાની શરૂઆત પણ જો કરવામાં આવે, તો, તે પરમ આનંદ અને પરમ સુખનું સાધન છે. આ જિજ્ઞાસા આપણામાં જો જાગે તો આપણું કલ્યાણ થઈ જાય.
સપ્તભંગીમાંની આ સાત જિજ્ઞાસાઓને આત્માની મુક્તિ સાથે, અનંત સુખની પ્રાપ્તિ સાથે જોડીને જો આપણે વિચાર કરીશું તો, એ પરમપદની પ્રાપ્તિ માટેના માર્ગનું એક જવલંત ચિત્ર આપણી સમક્ષ પ્રગટ થશે. કેવું જીવન જીવવાથી આપણે અનંત સુખના ભોક્તા બની શકીશું, એ વાત આપણને સમજાઈ જેશે.
એટલે, હવે આપણે એક સારું અને સાચું જીવન જીવવામાં મહત્વની અને મુદ્દાની વાત પર આવીને ઊભા છીએ. કેટલાક લોકો એવો પ્રશ્ન પૂછે છે કે સપ્તભંગીના બુદ્ધિપ્રયોગ દ્વારા, એક વસ્તુના સાત જુદા જુદા સ્વરૂપો આપણે જોયા. પણ તેથી આપણને ફાયદો શું થયો? માની લઇએ કે અનેકાન્તવાદના તત્ત્વજ્ઞાનમાં સ્વાદુવાદ નામની પ્રમાણભૂત પદ્ધતિ, નય નામની વિલક્ષણ વ્યાખ્યા અને સપ્તભંગી નામનું સુંદર વ્યાકરણ છે; તેથી આપણને લાભ શું?”
લાભ તો તેથી અમૂલ્ય છે. એનું વર્ણન કરવા જતાં પાનાના પાના ભરાય તેમ છે. અહીં જે પ્રશ્ન પૂછાયો છે તે આત્મલક્ષી નથી, સંસારલક્ષી છે. સાંસારિક સુખપ્રાપ્તિમાં સપ્તભંગી ઉપયોગી છે કે કેમ, રોજીંદા જીવનમાં એની સમજણથી કંઈ લાભ મેળવી શકાય તેમ છે કે કેમ એવા પ્રશ્નોનો બુદ્ધિગમ્ય જવાબ માગવામાં આવે છે. સુખી જીવન જીવવાનું એક નાનકડું ધ્યેય વિશ્વસમસ્તને આવરીને બેઠેલું છે એ આપણે સૌ જાણીએ છીએ. - તત્ત્વજ્ઞાને સારા વિચારો બતાવ્યા છે અને સારા આચરણ માટેનું શિક્ષણ, એ સારા વિચારોને અનુરૂપ ધર્મ આપણને આપે છે. આવું જીવન જીવવાનો સવાલ એમાં અંતર્ગત રહેલો જ હોઇ, બુદ્ધિના વિષયમાં એક, અનોખી અને અદ્ભુત એવી આ સપ્તભંગી, રોજીંદા જીવનવ્યવહારમાં આપણને કેવી રીતે ઉપયોગી થઇ શકે એ સમજવું આવશ્યક છે.