________________
ભારિલ્લજીના શિરે હિંદી આત્મધર્મના સંપાદનનો ભાર આવ્યો ત્યારે તે નિબદ્ધ થઈ સંપાદકીયના રૂપમાં ક્રમશઃ આત્મધર્મમાં પ્રગટ થયાં. એ નિબંધોનુ નિશ્ર્ચયવ્યવહારની સંધિપૂર્વક માર્મિક વિવેચન જ્યારે સુબોધ, સર્તક તથા આકર્ષક શૈલીમાં પાઠકોને પહોંચ્યું તો તેઓ હર્ષથી નાચી ઊઠયા. સામાન્ય પાઠકોએ જ નહીં, પૂજ્ય સ્વામીજીએ પણ એની મુક્ત કંઠે ખૂબ પ્રશંસા કરી. આ લેખોને તત્કાલ અનેક ભાષાઓમાં પુસ્તકરૂપે પ્રકાશિત કરી ઘેર-ઘેર પહોંચાડવામાં આવે, તથા એનો બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવે, જેથી ડૉક્ટર સાહેબના ચિંતનનો લાભ જન-જન સુધી પહોંચે એવી માગણી અનેક સ્થાનોથી થવા
લાગી.
ગયા વર્ષથી સોનગઢમાં ડૉ ભારિલ્લજીના નિર્દેશન હેઠળ પ્રવચનકાર-પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો છે. એમાં પણ એ માગણી આવી કે પ્રવચનકારોને વિશેષરૂપે આ નિબન્ધોનું અધ્યયન કરાવવામાં આવે અને ડૉક્ટર સાહેબના એના પર વિશેષ વ્યાખ્યાનો યોજવામાં આવે. તેનાથી પ્રવચન-કારોને તો લાભ મળશે જ, સાથે જ એમના દ્વારા ગામે-ગામ પણ આ વાત પહોંચતી થશે.
આ વિશેષ વ્યાખ્યાનોમાં દશધર્મોનું માર્મિક વિવેચન સાંભળીને શેઠ શ્રી તખતરાજજી કલકત્તાવાળા એટલા પ્રભાવિત થયા કે એમણે ભાવના વ્યકત કરી કે એને પુસ્તકાકાર_પ્રકાશિત કરી હિંદી અને ગુજરાતી આત્મધર્મના ગ્રાહકોને જે આશરે દશ હજાર છે- ભેટ આપવામાં આવે, તે માટે તેમણે બાર હજાર રૂપિયા જાહેર કર્યા. પરંતુ તે વખત સુધી તો નિબંધો પૂરા લખાએલા ન હતા, અડધા જ લખાયા હતા, તેથી વાત પડતર રહી. હવે જ્યારે નિબન્ધો પૂરા થયા અને માલૂમ પડ્યું કે દશ હજાર ગ્રાહકોને ભેટ દેવામાં ત્રીસ હજારથી પણ અધિક રકમ લાગશે તો એમણે બાર હજારને બદલે વીસ હજાર રૂપિયા દેવાનો સ્વયં પ્રસ્તાવ કર્યો.
બાકીના ખર્ચની પૂર્તિ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢે કરી છે, તદર્થ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી અને ઉક્ત સર્વે દાતારોના અમે હૃદયપૂર્વક આભારી છીએ.