________________
૧૭૨
ધર્મનાં દશ લક્ષણ)
લાગે, ત્યારે જ એ વસ્તુતઃ વાણીની ક્ષમા અર્થાત્ ક્ષમાવાણી હશે. પરંતુ આજ તો ક્ષમા માત્ર આપણી વાણીમાં રહી ગઈ છે, જાણે અંતરથી એને કાંઈ સંબંધ જ ન હોય !
આપણે ક્ષમા, ક્ષમા એમ વાણીમાં તો બોલીએ છીએ, પરંતુ ક્ષમાભાવ આપણા ગળાથી નીચે નથી ઊતરતો. આ જ કારણે આપણી ક્ષમાયાચના કૃત્રિમ થઈ ગઈ છે. એમાં તે વાસ્તવિકતા રહી નથી જે હોવી જોઈએ અથવા જે સાચા ક્ષમાધારીને હોય છે.
બહારથી—ઉપર–ઉપરથી આપણે ખૂબ મીઠાબોલા થઈ ગયા છીએ. હૃદયમાં દ્વેષભાવ કાયમ રાખીને આપણે છળપૂર્વક ઉપર–ઉપરથી ક્ષમાયાચના કરવા લાગ્યા છીએ.
માયાચારીને ક્રોધ, માન એ પ્રકારે પ્રગટ નથી થતાં જે પ્રકારે સરળ સ્વભાવીને થઈ જાય છે. પ્રગટ થાય તો એનો બહિષ્કાર, પરિષ્કાર સંભવિત છે; પરંતુ અપ્રગટને કોણ જાણે ? તેથી ક્ષમાધારકે શાંત અને નિરભિમાની હોવા ઉપરાંત સરળ પણ થવું જોઈએ.
કુટિલ વ્યકિત ક્રોધ–માનને છુપાવી તો શકે છે, પરંતુ ક્રોધ–માનનો અભાવ કરવો એના વશમાં નથી. ક્રોધ–માનને દબાવી રાખવાં એ જુદી વાત છે તથા દૂર કરવાં એ જુદી વાત છે. ક્રોધ–માનને નષ્ટ કરવાં ક્ષમા છે, દબાવી
રાખવાં એ નહીં.
અહીં આપ કહી શકો છો કે ક્ષમા તો ક્રોધના અભાવનું નામ છે; ક્ષમાધારીએ નિરભિમાની પણ થવું જોઈએ, સરળ પણ થવું જોઈએ ઈત્યાદિ શરતો કેમ લગાવતા જાઓ છો ?
જો કે ક્ષમા ક્રોધના અભાવનું નામ છે; તેમ છતાં ક્ષમાવાણીનો સંબંધ માત્ર ક્રોધના અભાવરૂપ ક્ષમાથી જ નહીં, પરંતુ ક્રોધમાનાદિ વિકારોના અભાવરૂપ ક્ષમામાર્દવાદિ દશેય ધર્મોની આરાધના તેમ જ એનાથી ઉત્પન્ન નિર્મળતાથી છે.