________________
૧૩૨
' ધર્મનાં દશ લક્ષણ) ઉકત ચોવીસ પ્રકારના પરિગ્રહના ત્યાગી મુનિરાજ ઉત્તમ આકિંચન્યધર્મના ધારક છે. જયારે પણ પરિગ્રહ કે પરિગ્રહત્યા– ગની ચર્ચા ચાલે છે તો આપણું ધ્યાન બાહ્યપરિગ્રહ તરફ જ જાય છે; મિથ્યાત્વ, ક્રોધ માન, માયા, લોભાદિ પણ પરિગ્રહ છે – એ વાત પર કોઈ ધ્યાન જ દેતું નથી. ક્રોધ, માન, માયા, લોભની જયારે પણ વાત કરીએ તો કહેવામાં આવે છે કે એ તો કષાયો છે; પરંતુ કષાયોનો પણ પરિગ્રહ હોય છે એમ વિચાર આવતો નથી.
જયારે જગત ક્રોધ-માનાદિને પણ પરિગ્રહ માનવા તૈયાર નથી તો પછી હાસ્યાદિ કષાયોને કોણ પરિગ્રહ માને?
પાંચ પાપોમાં પરિગ્રહ એક પાપ છે, અને હાસ્યાદિ કષાયો પરિગ્રહના ભેદો છે. પરંતુ જયારે આપણે હસીએ છીએ, શોકસંતપ્ત થઈએ છીએ તો શું એમ સમજીએ છીએ કે આપણે કોઈ પાપ કરી રહ્યા છીએ, ” વા એને કારણે આપણે પરિગ્રહી છીએ?
ઘણાય પરિગ્રહત્યાગીઓને ખડખડાટ હસતા, ગભરાટપૂર્વક ડરતા જોઈ શકાય છે. શું તેઓ એમ અનુભવે છે કે આ સઘળો પરિગ્રહ છે.
જયપુરમાં લોકો ભગવાનની મૂર્તિઓ લેવા આવે છે અને મને કહે છે કે અમારે તો ખૂબ સુંદર મૂર્તિ જોઈએ, એકદમ હસમુખી, હું એકને સમજાવું છું કે ભાઈ! ભગવાનની મૂર્તિ હસમુખી ન હોય. હાસ્ય તો કષાય છે, પરિગ્રહ છે અને ભગવાન તો અકષાયી, અપરિગ્રહી છે; એમની મૂર્તિ હસમુખી કેવી રીતે હોઈ શકે? ભગવાનની મૂર્તિની મુદ્રા તો વીતરાગી શાન્ત હોય છે. કહ્યું પણ છે કે
જય પરમશાન્ત મુદ્રા સમેત, ભવિજનકો નિજ અનુભૂતિ હેત" છબિ વીતરાગી નગ્ન મુદ્રા, દ્રષ્ટિ નાસા પર ધરે.”
એ પણ બહુ ઓછા લોકો જાણે છે કે સર્વ પાપોનો બાપ જે લોભ એ પણ એક પરિગ્રહ છે. શબ્દોથી જાણતા પણ હોય. તોપણ એ અનુભવ કરતા નથી કે લોભ પણ એક પરિગ્રહ છે, અન્યથા યશના લોભમાં દોડા-દોડ કરી મૂકનાર કહેવાતા પરિગ્રહત્યાગી જોવામાં ન આવત.
૧. પં. ટોડરમલજીકૃત દેવસ્તુતિ. ૨. કવિવર બુધજનકૃત દેવસ્તુતિ.