________________
૧૦૦
કથાઓ પર અફાળી પ્રાણરહિત કર્યા, રાજાએ કરેલા ઋષિહત્યાના પાપકર્મથી ભયભીત બનેલા મંત્રી સામંતોએ – પાપી રાજાને પદભ્રષ્ટ કરીને, તેના ગુણવંત પુંડરીક નામનું પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. પછી તે નરપિશાચ અરણ્યમાં ભમવાં લાગ્યો. ત્યાં પુનઃ એક પ્રતિમાધર મુનિને જોયા. ક્રોધથી મુનિનો ઘાત કરવા ગયો, ત્યાં મુનિએ તેજોલેશ્યા મુકી તેને બાળી ભસ્મીભૂત કર્યો. ત્યાંથી મરી તે સાતમી નરકે ગયો. પછી અનુક્રમે સાતેય નરકમાં બે બે વાર ઉત્પન્ન થઈ અતુલ દુઃખ પામ્યો. ત્યાંથી તિર્યંચ યોનિમાં અનંતીવાર ભમ્યો. ત્યાં પણ અજ્ઞાનવશે અનંત દુઃખનો ભાગી થયો. ત્યાંથી અકામ નિર્જરાના યોગે ઘણાં કર્મ ખપાવી સિન્ધદત્ત શેઠને ઘરે ગુણસુંદર નામે પુત્રપણે જન્મ થયો. તે દીન દુઃખીને અન્નદાન આપતો. ઉત્તરાવસ્થામાં તેણે તાપસી દીક્ષા લીધી. ત્યાંથી મૃત્યુ પામી તું અહીં રાજકુમાર થયો છે. પૂર્વે ઋષિહત્યાનું ઘણું પાપ ભોગવ્યું હતું. તેમાંથી શેષ રહેલું તે આ ભવમાં યૌવન વયમાં ઉદયમાં આવ્યું અને ભોગવ્યું.
આ પ્રમાણે ગુરુમુખે પોતાનો પૂર્વભવ સાંભળી, મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ થતાં તેની જિનોદિત તત્ત્વને વિષે રૂચિ ઉલ્લાસ પામી અને તે સમ્યગદર્શન પામ્યો. ગુરુએ સમક્તિના ગુણદોષ જણાવી તેના અતિચાર પણ સમજાવ્યાં. પછી તે જિનેશ્વરની ભાવપૂર્વક ભક્તિ અને સુસાધુની સેવા કરતાં નિર્મળ સમક્તિનું પાલન કરવા લાગ્યો. પેલો યક્ષ કુમારને પોતાની માનતા પૂર્ણ કરવા કહેતો પણ કુમાર સમ્યગ્દષ્ટિ હોવાથી તેમ કરતો નહીં. અન્યાદા તે કુમાર અરણ્યવાસી યતિને વાંદી રાજમહેલ તરફ જતો હતો. તેવામાં પેલા યક્ષે તેને જોયો. ક્રોધથી ધમધમતો તે કુમારને મુગર લઈ મારવા આવ્યો અને બોલ્યો કે “હે કુમાર ! તે માનેલી માનતા મુજબ મને પાડાનો ભોગ આપ નહિંતર તારા પ્રાણ લઈશ”, દયાપૂર્ણ હૃદયથી ધૈર્યપૂર્વકકુમાર બોલ્યો – “હે યક્ષ ! સર્વ જીવોને પોતાનું જીવિત પ્રિય છે. કોઈને પણ મરવું ઈષ્ટ નથી. જેવી આપણને જીવિતની ઈચ્છા છે તેવી જ અન્ય પ્રાણીઓને છે. હું પ્રાણાન્ત પણ જીવહિંસા કરી તને તૃપ્ત કરનાર નથી. વળી તું મારી પાસે ભોગ માંગે છે તે મિથ્યા છે. કેમકે મારો વ્યાધિ તો સર્વજ્ઞા એવા ગુરુના દિવ્ય દર્શનથી જ નાશ પામ્યો છે. કાંઈ તારાથી નાશ પામ્યો નથી.” યક્ષે અતિ કોપાયમાન થઈ મોગર ઉપાડી જોરથી કુમારને માર્યો. તેથી કુમાર મૂચ્છ ખાઈ જમીન પર પડ્યો. કેટલીક વાર શીતળ પવનથી મૂચ્છ રહિત થયો.