________________
૧૦૪
શ્રી વિશસ્થાનક તપ ગયાં. પાછા વળતાં નદીમાં દેવમાયાથી પૂર આવેલું જોયું. તીરે સ્થિર ઉભા રહ્યાં. તે મનમાં વિચારવા લાગ્યા કે “અરેરે! મહાભાગ્ય યોગે તપસ્વી મુનિ આવ્યાં. તેઓ ભૂખ્યા હશે. નદીમાં પૂર આવવાથી હું પુણ્યહીન ત્યાં જઈ શક્તો નથી. અહો ! છત્રીશ ગુણે શોભતા, ભવ્યજનોને અમૃત સમાન દેશના આપી પ્રતિબોધ કરતાં એવા ગુરુનું આતિથ્ય પૂર્વ પુણ્યનો સંયોગ હોય તો જ કરી શકાય છે.” | શુભ ધ્યાનથી ભાવના ભાવતાં હતાં. ત્યાં દેવ પ્રત્યક્ષ થયો. મુનિની સ્તુતિ કરી પૂર સંહારીને દેવ ગુરુ પાસે ગયો. મુનિ આવી ભાવનાથી કેવું ફળ પામશે? તે પૂછ્યું. ગુરુ કહે છે કે એ ભાવનાથી તે મુનિ આગામી કાળમાં તીર્થકર થશે. મંત્ર, તીર્થ, ગુરુ, દેવ, સ્વાધ્યાય તથા ઔષધને વિષે જેને જેવી ભાવના હોય તેને તેવી સિદ્ધ થાય છે. પ્રસન્ન થઈને દેવ ગયો. આ રીતે નિર્મળ ભાવથી નિરંતર તપસ્વીઓનું વાત્સલ્ય કરી વીરભદ્ર મુનિ ત્યાંથી કાળધર્મ પામી બારમા અશ્રુતકલ્પમાં મહાસમૃદ્ધિવાન દેવ થયાં. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થકરપદ પ્રાપ્ત કરી અનેક જીવો ઉપર ઉપકાર કરી મોક્ષપદ પ્રાપ્તિ કરશે.
' શ્રી જ્ઞાનપદ વિષે જયંતદેવની કથા કૌશાંબી નગરીમાં પ્રતાપવાન જયંતદેવ રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ તે અંતઃપુર સહિત ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. પાછાં વળતાં તેણે માર્ગમાં સુવર્ણકમળ પર બિરાજમાન સુર-અસુર સેવિત કેવલજ્ઞાન ભાસ્કર યશોદેવ મુનિને દેશના આપતાં જોયા. તેણે વિનયપૂર્વક વંદન કરી દેશના સાંભળી. ગુરુએ કહ્યું...
' હે ભવ્યજનો? આ માનવ જન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, નિરોગી કાયા પામીને તમે જ્ઞાનને વિષે આદર કરો, જ્ઞાનથી નિરતિચાર ચારિત્ર પાળી શકાય છે. આત્મા નિરંતર પવિત્ર થાય છે. મન અસ્થિર હોય તે સ્થિર થાય છે અને અવ્યાબાધ મોક્ષ સુખ મેળવાય છે. લોકમાં અતિ બહુમાન થાય છે. નરપતિએ પૂછયું કે – હે પ્રભો ! હું જ્ઞાની કે અજ્ઞાની? ગુરુ કહે છે. તે નરેન્દ્ર ! તું તો શું પરંતુ પ્રાયઃ દેવો પણ અજ્ઞાનથી ભરપૂર હોય છે. મૃત્યુ પામેલાને અને મૃત્યુ પામતાને જરા તથા વ્યાધિથી દુઃખ પામતા એવા આ દેહને જોઈ ત્રાસ નથી પામતા તેઓ જ્ઞાની કેમ કહેવાય? વિષય કષાયમાં લીનને જ્ઞાની કેમ કહેવાય?