________________
શ્રી નમિનાથજી
915
આત્માની પરિણતિ ઉચ્ચ-ઉચ્ચતર-ઉચ્ચતમ બને તો આ યોગોનો વ્યાપાર સાર્થક થયો કહેવાય. એ થયેથી જ સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. સિદ્ધિ પ્રાપ્ત થયા વિના વાસ્તવમાં વિનિયોગ થઈ શકતો નથી અને સિદ્ધિની પ્રાપ્તિમાં ઉપર બતાવેલા મુદ્રા, બીજ, ધારણા, અક્ષર તેનું જ્ઞાન અને તેનો ન્યાસ આ બધા અંગો ઉપયોગી થઈ પડે છે.
સિદ્ધિ પ્રાપ્ત કરીને પછીથી તેનો વિનિયોગ કરવાનો છે એટલે કે પ્રાપ્ત સિદ્ધિનું અન્ય સુયોગ્ય આત્માઓને પ્રદાન કરીને સંતતિ યોગમોક્ષમાર્ગના વહેણને અખંડ વહેતું રાખવાનું છે. વિનિયોગ એ પ્રાપ્ત સિદ્ધિનું વિતરણ છે.જે જ્ઞાનનું પ્રવહણ છે એ સિદ્ધિની સુવાસ છે-પમરાટ છે, પરિમલ છે, મહેંક છે.
આ પ્રકારે, જે કોઈ પણ વ્યક્તિ સાધના કરશે-ધ્યાન કરશે, તે કોઇથી ઠગાશે નહિ અને સ્વયં કોઇને ઠગશે નહિ. આમ તેને પ્રાપ્ત થયેલ યોગ અવંચક થશે એટ્લે યોગાવંચક થઇ ક્રિયાવંચક બનશે અને અંતે ઉપર ઉપરના ફળો પ્રાપ્ત કરવા દ્વારા અંતે અંતિમ ફળ મોક્ષ પ્રાપ્ત કરવા દ્વારા કૈવલ્યલક્ષ્મીથી મંડિત થશે. માત્ર શરત એટલી જ છે કે આ યોગક્રિયા કોઈપણ જાતના કપટ વગર-આત્મવંચના કર્યા વિના આત્મસાક્ષીએ પ્રામાણિક બનીને- ઋજુ અને પ્રાજ્ઞ બનીને કરવાની છે અને તો જ ફલાવંચક બને અર્થાત્ ઈષ્ટફલ - મોક્ષ પ્રાપ્ત થાય.
આમ યોગીરાજે આ કડીમાં મોક્ષની પ્રાપ્તિ માટેનો આખો ક્રમિક વિકાસનો, સ્ટેપ બાય સ્ટેપ માર્ગ બતાવ્યો છે, જેને આપણે અનુસરીએ તો જરૂર લાભ થાય. અવિધિનો ડંખ અને વિધિનું બહુમાન, સાધનામાર્ગમાંયોગમાર્ગમાં અત્યંત ઉપયોગી છે. તેનાથી સંસ્કારયુક્ત સ્વચ્છ પુણ્યનું ઉપાર્જન થાય છે.
શુદ્ધ જ્ઞાતા દૃષ્ટાને બધું છે-છે ને છે.
જ્યારે કર્તા-ભોક્તા વાળા જ્ઞાતા-દૃષ્ટાને નથી-છે-નથી (કાળની ક્રમિક્તાએ).