________________
જીવને અપૂર્વ શાંતિ-સમાધિ અનુભવાય છે, હું દેહ નથી એવું લાગે છે. અન્યદર્શનના સાધકો, સાધના દ્વારા, અહિંયા સુધી આવીને તેને જ પ્રાયઃ કરીને આત્મા માની લે છે. ચિત્તની અપૂર્વ શાંતિને આત્માનું સ્વરૂપ માની લે છે. ષચક્રના ભેદન દ્વારા કુંડલિની શક્તિનું ઉત્થાન થતાં આ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય દર્શનમાં રહેલાં યોગીઓ કે જેમને નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી, સ્યાદ્વાદથી આત્માનું સમ્ય-યથાર્થ સ્વરૂપ નથી લાધ્યું, તેઓ આ દશાને જ, આત્માની નિર્વિકલ્પ દશા માની, આત્મસાક્ષાત્કાર થઈ ગયો, એવું માની લે છે પણ આ ભ્રાંતિ છે. હજુ અહિંયા ગ્રંથિ ભેદાઇ નથી. તેજસ-કાર્યણ શરીરને પણ ભેદીને ઉપયોગ સૂક્ષ્માતિસૂક્ષ્મ બની, સ્વરૂપ સાથે એકતા પામે છે ત્યારે જ, અન્ય દર્શનકારો જેને આત્મસાક્ષાત્કાર કહે છે તે પારમાર્થિક સમ્યગ્દર્શન પમાય છે. અન્ય દર્શનના યોગીઓની ઉપર બતાવેલ, ચિત્તવિશુદ્ધિથી પ્રગટેલ, અપૂર્વ શાંતિ-સમાધિની દશા, એ સર્વજ્ઞના મતે વિચાર-સ્થગિતતારૂપ નિર્વિચાર-દશા છે. જેમાં મન છે પણ તેનું કાર્ય નહિવત્ છે. જ્યારે જૈનદર્શનના મતે, નિર્વિકલ્પ દશા એ આત્માની અનુભૂતિ છે જેમાં મન તદ્દન બાજુપર ખસી ગયુ હોય છે અને ઉપયોગ સીધો જ, આત્મા સાથે ભળીને પોતે પોતાનામાં આનંદવેદનને નિર્વિકલ્પપણે વેદી રહ્યો હોય છે. આ સ્વમયતારૂપ અભેદદશા છે. જેમાં બીજું કાંઈ જ ન હોય એવી અદ્ભુતદશા છે.
આજ વસ્તુનું સમર્થન કરતા ઉપાધ્યાય 'યશોવિજયજી મહારાજા સજ્ઝાયમાં લખે છે કે, “જોગી-જંગમ અતિથિ સંન્યાસી, તુજ કારણ બહુ ખોજે, તું તો સહજ શક્તિશું પ્રગટે, ચિદાનંદકી મોજે.’’
ઉપરોક્ત દશામાં, સાધના કરવા છતાં, આપણે અટવાઇ ન જઇએ અને ભ્રાંતિમાં ન રહી જઈએ, તે માટે જ યોગીરાજ પાંચમા સ્તવનમાં આત્માનું સ્વરૂપ બતાવતા લખે છે કે,
જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ, અતીન્દ્રિય ગુણગણ મણિ આગરૂ, ઇમ પરમાતમ સાધ-સુજ્ઞાની.