________________
શ્રી પદ્મપ્રભ સ્વામીજી
220
પર વિનાશી છે. સ્વ અવિનાશી છે. વિનાશીમાં અવિનાશીની બુદ્ધિ સ્થાપવી-કરવી અને જે દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી છે તેમાં સુખબુદ્ધિ કરી સંબંધ બાંધવો તે પણ બંધન છે અને એ પણ મિથ્યાત્વ છે. પોતાનામાં પોતાપણાની અભાનતા-અજ્ઞાનતા અને પારકામાં પોતાપણાની અવળી બુદ્ધિ જેવું મહાપાપ-મહામિથ્યાત્વ બીજું કોઈ નથી. ઉપાધ્યાય વીરવિજયજી પણ કહે છે... “મારું નહોતું તેને મારું કરી નાખ્યું, મારું હતું તેને નાહિ પિછાન્યું;
એવા મુર્ખતાના દુઃખ મારા, કહેજો ચાંદલિયા કહેજો ચાંદલિયા સીમંધર તેડા મોકલે.”
આ અવળી માન્યતા છે. અવળો હુંકાર અહંકાર છે જે વિપર્યાસ છે. એ બુદ્ધિની વિપરીતતા છે. . . આવું મિથ્યાત્વ એ આશ્રવનું મહાકારણ છે, જે આશ્રવના ચાર મુખ્ય પ્રકારમાંનો પહેલો પ્રકાર છે. ઝેરના ઘણા પ્રકારો છે. પણ મિથ્યાત્વ જેવું કોઈ કાતિલ ઝેર નથી. શત્રુના ઘણા પ્રકારો છે પણ મિથ્યાત્વ જેવો કોઈ આત્માનો શત્રુ નથી. મિથ્યાત્વ એ અઢારમું મહાપાપ છે. એ આત્માનો ભાવશત્રુ છે, જે જીવના ભવોભવ બગાડનારો અને દુર્ગતિમાં રખડાવનારો છે. એ આત્માના પરમાત્મસ્વરૂપનો હત્યારો છે. અંધકારના પણ ઘણા પ્રકારો છે પણ મિથ્યાત્વ જેવુ કોઈ નિબીડ અંધકાર નથી. રોગના પણ ઘણા પ્રકારો છે પણ મિથ્યાત્વ જેવો આત્માના આરોગ્યને બગાડનારો બીજો કોઇ મહારોગ નથી. વસ્તુને-તત્ત્વને, અવસ્તુઅતત્ત્વ મનાવનાર અને અવસ્તુ-અતત્ત્વને, વસ્તુ-તત્ત્વ મનાવનાર આ મિથ્યાત્વ છે.
જ્યાં સર્વત્ર પ્રેમનું નિતરણ ત્યાં વીતરાગતાનું અવતરણ.