________________
પ્રકાશકીય નિવેદન માટુંગા જૈન સંઘ
યાતુર્માસની અટારીએથી
તીર્થંકર પરમાત્મા અને ચતુર્વિધ સંઘ જેમના માથે છે, જેઓની દૃષ્ટિ સતત પોતાના આત્મા તરફ રહેલી છે, સમ્યગ્ આચારોને આચરવા જે સદા કટિબદ્ધ છે, જેમની વાણી આપણને શું કરવું ? ને શું ન કરવું ? તેની સ્પષ્ટ સમજણ આપે છે; એવા પરમ તારક, શાસન પ્રભાવક પં.મુક્તિદર્શન વિજયજી મહારાજે આફરિન થઇ જવાય તેવું અર્થઘટન યોગીરાજ આનંદઘનજી રચિત સ્તવન ચોવીશી ઉપર કર્યું છે.
અમારા સહુની જિંદગીમાં, વિશેષ પ્રકાશ પાથરનાર એવા, તેઓશ્રીનું વિ.સં. ૨૦૬૨માં થયેલ ધર્મપ્રભાવક ચાતુર્માસ; માટુંગા શ્વે.મૂર્તિપૂજક તપગચ્છ સંઘ માટે ઐતિહાસિક ઘટના હતી.
સિદ્ધાંત દિવાકર, પરમ ગીતાર્થ, સકલ સંઘહિતચિંતક, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાને, અમારા શ્રી સંઘે ચાતુર્માસ માટે વિનંતી કરેલ અને અતિ ઉપકારી એવા ગુરુભગવંતે તેમના આશાવર્તી શાંત, સરળ સ્વભાવી પં. મુક્તિદર્શનવિજયજી આદિ ઠાણા ત્રણને, ચાતુર્માસ માટે અનુમતિ આપી, અમારા શ્રીસંઘ ઉપર અનહદ ઉપકાર કરેલ હતો.
અતિ પવિત્ર એવી શુભ પળોમાં પૂજ્યશ્રીએ, યોગીરાજ આનંદઘનજીના સ્તવનો ઉપર સવારની વાચના અને વ્યાખ્યાન દ્વારા જિનવાણીનો અસ્ખલિત ધોધ વહાવ્યો હતો. અતિ ગહન પદાર્થોને સરળ શૈલિમાં મૂકીને અધ્યાત્મરસનું પાન કરાવ્યું હતું. એક વખત શરૂ થયેલ રસધારામાં ભંગ કરવાનું મન ન થાય, તેવું વાતાવરણ હતું. વાચના અને વ્યાખ્યાન બંને સમયે, ઉપાશ્રય આત્મરસિક શ્રોતાઓથી ભરચક થઈ જતો .