________________
૫૮૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કહીએ છીએ કે ‘ભાઈ ! વહેલો આવજે.’ આ બધું જોખમ અમે વહોરીએ છીએ. શા માટે ? તમે અહીં આવનારા સાચું સમજો માટે. -વાત તો જે હોય તે જ સમજાવવી પડે
1152
સભા : ‘કહે છે કે આગળ-પાછળનાં વિદ્વત્તાનાં અને પદવીનાં વેરઝેર છે.’ વિદ્વત્તાનાં કદી વેરઝેર ન હોય અને ન પદવી કોઈ રોકી શકતું નથી. અરે, કોઈ રસ્તે ચાલનારો પોતાને બાદશાહ કહે ત્યાંયે કોઈ રોકવા 'જંતું નથી. વીસમી સદીમાં કોઈ કોઈની પદવી છીનવી શકે ખરું ? વસ્તુનું વર્ણન આવે ત્યાં એ વસ્તુ જેનામાં હોય તેને દુ:ખ પણ થાય ત્યાં ઉપાય શો ? શ્રી જિનેશ્વરદેવ પણ કરે શું ? સમવસરણમાં દેશના દે ત્યાં આત્માને નિત્ય પણ કહે અને અનિત્ય પણ કહે. ત્યાં કોઈ બૌદ્ધધર્મી ઊભો થાય ને કહે કે-આ દ્વેષથી બોલો છો. હવે દ્રવ્યાદિકનયે અને પર્યાયાર્થિકનયે જેવું હોય તેવું ભગવાન કહે એમાં દ્વેષ ક્યાં આવ્યો ? પેલા પૂછે એટલે ભગવાન સમજાવે કે આ રીતે નિત્ય અને આ રીતે અનિત્ય. હેતુઓ આપર્તા જાય તેમ તેમ પેલાથી સહન ન થાય અને પછી મૂંઝાય પણ તેથી થાય શું ? જેવું હોય તેવું કહ્યા વગર ચાલે ? બે ને બે ચાર, એમ સમજાવવામાં કોઈ અકળાય ત્યાં શું થાય ? સંયમરક્ષાની વાતમાં વરસાદમાં મુનિથી જવાય નહીં એ વાત આવે ત્યાં ઝટ કહે કે ફલાણા ગયા હતા એનું ખંડન આવ્યું. સાધુને રોટલાની ચિંતા ન હોય એમ કહીએ એટલે તરત કહે કે અમુક માટેની વાત આવી. જમાનો જોઈને ધર્મક્રિયા ગૌણ ન થાય એમ કહું એટલે કહે કે-જોયું ? જમાનાનું ખંડન આવ્યું ! પણ ત્યારે કરું શું ? વરસાદમાં મુનિથી જવાય, એમ કહ્યું ? સાધુને રોટલાની ચિંતા હોય, એમ કહું ? જમાનો જોઈને ધર્મક્રિયા ગૌણ કરવાનું કહું ? વિદ્યાના વર્ણનમાં રહું કે શ્રી જિનેશ્વરદેવના સાધુ વિદ્યાનો નિષેધ ન કરે, વિદ્યાનું અનુમોદન કરે, પણ તે વિદ્યા એવી ન હોય કે જેનાથી પાપનો પ્રચાર થાય. એટલે તરત કહે કે વિદ્યાલયનું ખંડન આવ્યું. ચાલે ત્યાં સુધી વસ્તુને ગોળગોળ કહીને વસ્તુનું પ્રતિપાદન કરું છું; તેમ છતાં કોઈને વાંધો આવે ત્યાં આપણો ઉપાય શું ? કાળજું ઠેકાણે રાખીને બોલું છું :
સમ્યગ્દષ્ટિ કોણ ? શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ અને પ્રભુએ પ્રરૂપેલો ધર્મ, આ ત્રણને શ્રદ્ધાપૂર્વક માને તે. જે આ ત્રણને ન માને એટલું જ નહિ પણ તેની વિરુદ્ધ બોલે તે તો મિથ્યાર્દષ્ટિ કરતાંયે અધમ છે. પછી એ અણુવ્રતધારી કે મહાવ્રતધારી રહ્યો ક્યાં ? દેવ-ગુરુ-ધર્મની વિરુદ્ધ બોલાય ત્યારે ‘હું શું કરું ? ’ એમ વિરતિધર પણ કહે ? આજે જમાનાના નામે કેવી પ્રવૃત્તિ ચાલે છે તે જુઓ.