________________
૨૪૬. - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
- ૨ આવશ્યકતા શી ?” આવી આવી વાતો કરનારાઓની સંખ્યાનો પણ કંઈ અભાવ નથી. આવાઓને ધર્મની, ધર્મના પ્રચારની કે ધર્મના રક્ષણની ચિંતા હોય જ શું કામ ? આવાઓ તો સાધન-સામગ્રી દ્વારા સ્વ અને પરનું અહિત જ સાધનારા છે.
આત્મકલ્યાણના અર્થી આત્માઓએ પણ નિરંતર પોતાના અંતરને પૂછવાની જરૂર છે કે, “હે આત્મન્ ! તેં કોઈપણ જાતના માનપાનના ઇરાદા વિના કે ખ્યાતિની પરવા રાખ્યા વિના, કેવળ આત્મકલ્યાણની જ દૃષ્ટિએ ધર્મની સાધના માટે શું કર્યું ? શ્રી જિનેશ્વરદેવની સેવા કરનારા આત્માના જિગરમાં તો એમ થાય કે, “મારા જીવતાં જો પ્રભુમાર્ગને હાનિ પહોંચે અને તે હાનિને રોકવાનો જો શક્તિ હોવા છતાં પણ હું પ્રયત્ન ન કરું, તો મારા માટે જીવવા કરતાં મરવું એ જ વધુ સારું છે. જેટલો ત્યાગ અર્થકામની સાધના માટે થાય છે, તેટલો ત્યાગ મોક્ષસાધક ધર્મની આરાધના માટે થાય છે ? ત્રાજવું લઈને બેય પલ્લામાં બે પ્રકારના ત્યાગને મૂકો; એકમાં અર્થકામની સાધના, માટેનો ત્યાગ અને બીજામાં મોક્ષસાધક ધર્મ માટેનો ત્યાગ, એ બેય પ્રકારના ત્યાગને મૂકો અને જુઓ કે, કયો ત્યાગ વધે છે ? કયું પલ્લું નમે છે ?
સભાઃ ત્રાજવામાં શું મૂકે ? ઠેકાણું જ નથી !! કોરી મતિકલ્પનાથી ધર્મ નહિ જ પમાયઃ
અર્થકામની સાધનામાં જ રાચામાચી રહેલા અને મોક્ષસાધક ધર્મની પરવા વગરના, કોઈપણ જાતના અભ્યાસ કે અનુભવ વિના, ધર્મના વિષયમાં યથેચ્છ વાતો કરે, એ અધમતાની પરિસીમા છે. ધર્મના સ્વરૂપથી અનભિજ્ઞ લોકોએ ધર્મના વિષયમાં યથેચ્છ પ્રલાપ કરતાં અને મનઘડંત પ્રશ્નો ઉઠાવી વિદ્વત્તાનો આડંબર કરતાં શરમાવું જોઈએ. અભણ કે અણસમજુ માણસને વાતવાતમાં ડહાપણ ડહોળવાનો દુનિયામાં પણ હક નથી, તો પછી અહીં એ બધી પોલ કેમ ચાલે ? ન જીવવિચાર જાણે, ન સામાયિક આવડે, ન કરેમિભંતે સમજે, નવકારમાં નવ ભૂલ થતી હોય અને કહે કે, “અમે સ્વતંત્ર !” એ લોકો વાતો કરે ત્યારે કહે કે, “શું ફલાણા તત્ત્વદૃષ્ટા !” પણ “તત્ત્વ શું?” એટલું પણ એ વાતો કરનારા ન જાણે. આવીને પૂછે કે, “દુનિયાના તત્ત્વજ્ઞાનીને માનો છો કે નહિ ?' જો “ના” કહેવામાં આવે તો અભિમાની કહે અને “હા” કહેવામાં આવે તો કહે કે, “તેમની જ બધી વાતને માની લ્યો ત્યારે.” પણ એ પ્રમાણે કહેનારાઓને પૂછીએ કે, “તત્ત્વ શું ?” એટલે ચૂપ થઈ જાય અને માથું ખંજવાળે ! અજ્ઞાનીઓ બીજું કરે પણ શું?