________________
પ્રાસ્તાવિક સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રંથમાળાના દ્વિતીય પુસ્તક તરીકે ડૉ. જાગૃતિ દિલીપ શેઠના “જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન-દર્શનવિચારણા' નામક આ સંશોધનગ્રંથને વિદ્વાનો અને જિજ્ઞાસુઓ સમક્ષ પ્રસ્તુત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું.
જ્ઞાન એટલે શું? દર્શન એટલે શું? “દર્શન’ શબ્દનો એક અર્થ બોધ છે. જ્ઞાન પણ બોધરૂપ છે. એટલે જ્ઞાન અને દર્શન બન્ને બોધરૂપ છે. આ બે બોધમાં શો ભેદ છે? તેમની વચ્ચે કેવો સંબંધ છે ? તે બન્નેનો ધારક એક જ છે કે જુદો જુદો છે? તેનું સ્વરૂપ કેવું છે? આ બધા પ્રશ્નોની વિચારણા ભારતીય ચિંતકોએ કરી છે. “દર્શન શબ્દનો બીજો અર્થ છે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું? તેનો જ્ઞાનથી શો ભેદ છે ? જ્ઞાન અને શ્રદ્ધા પરસ્પર કેવી રીતે ઉપકાર કરે છે ? શ્રદ્ધાનાં ઉત્પાદક કારણો કયાં છે ? આધ્યાત્મિક વિકાસમાં શ્રદ્ધાનો શો ફાળો છે? આ પ્રશ્નો પરત્વેનું ભારતીય દાર્શનિકોનું ચિંતન બહુમૂલ્ય છે.
- ભારતીય દર્શનોમાં વિશેષતઃ જૈનદર્શન, બૌદ્ધદર્શન અને સાંખ્યયોગદર્શનમાં જ્ઞાન અને દર્શનની વિભાવનાની ઊંડી અને સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. જ્ઞાન-દર્શન પરત્વે આ દર્શનોએ ઘડેલી વિભાવનાનો તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રશંસનીય પ્રયત્ન પ્રસ્તુત ગ્રંથમાં સૌપ્રથમ વાર કરવામાં આવ્યો છે. શીર્ષકમાં સૂચવ્યા પ્રમાણે મુખ્યત્વે જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન-દર્શન પરત્વે જે વિચારણા થઈ છે તેનો તુલનાત્મક અભ્યાસ આ ગ્રંથમાં કરવામાં આવ્યો હોવા છતાં બૌદ્ધદર્શનમાં એ અંગે શું વિચારાયું છે એ પણ સુપેર નિરૂપાયું છે. ઉપરાંત, ઉપનિષદો, ગીતા અને ન્યાય-વૈશેષિકદર્શનમાં જ્ઞાન-દર્શન વિશે જે કહેવાયું છે તેની વ્યવસ્થિત રજૂઆત કરવામાં આવી છે. આ અભ્યાસ મૂળ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ ગ્રંથોને આધારે “નામૂi fસાથતે ઝિ' ન્યાયને અનુસરી કરવામાં આવ્યો હોઈ . પ્રમાણભૂત છે. વળી, મૂળ ગ્રંથોનું અર્થઘટન કરવામાં તે તે દર્શનની અન્ય "વિભાવનાઓ સાથેની આંતર સંવાદિતાને લક્ષમાં રાખી છે અને તર્કનો સુયોગ્ય તેમ જ સુનિયંત્રિત પ્રયોગ કર્યો છે. આચાર્યોના મતવિરોધનો પરિહાર કરવાનો પણ સુચારુ યત્ન કર્યો છે. નિષ્પક્ષ અને તર્કસંગત તારણો કાઢવામાં આવ્યાં છે. '. આમ આ અભ્યાસ નિષ્પક્ષ, આધારભૂત, તુલનાત્મક, બુદ્ધિગમ્ય અને વિચારપ્રેરક છે. અને તે સત્યશોધક દૃષ્ટિથી કરવામાં આવ્યો છે. તેથી ભારતીય દર્શનના અભ્યાસીઓને તે અવશ્ય લાભકારક અને રસપ્રદ બનશે એ નિઃશંક છે. સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રન્થમાલા
નગીન જી. શાહ ૨૩ વાલકેશ્વર સોસાયટી,
સામાન્ય સંપાદક ભુદરપુરા, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ ૧૧ જુલાઈ ૧૯૯૪