________________
(૧૧) વૃત્તિઓ પાંચ છે – પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. અદ્વૈતવેદાન્ત આ વૃત્તિઓ સ્વીકારે છે. યોગમતે આ બધી વૃત્તિઓ ચિત્તવૃત્તિઓ (અન્તઃકરણવૃત્તિઓ) છે. અદ્વૈત વેદાન્તીએ અન્તઃકરણ યાચિત્તની સાથે સાથે અવિઘા (અજ્ઞાન) નામના પદાર્થને માન્યો અને કહી દીધું કે કેવળ પ્રમાણ જ અન્તઃકરણની વૃત્તિ છે જ્યારે બાકીની અવિદ્યાની વૃત્તિઓ છે. આના ફલિતાર્થો દૂરગામી છે. આ વસ્તુનો નિર્દેશયોગ્ય સ્થાને પ્રસ્તુત ગ્રંથમાં કર્યો છે.
જૈન, બૌદ્ધ, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક દર્શનો વિશે ગુજરાતીમાં ગ્રંથો લખી ગુજરાતીભાષી જિજ્ઞાસુઓ અને અધ્યેતાઓને ભારતીય દર્શનોના અભ્યાસ માટે સામગ્રી પૂરી પાડી છે, એનો મને સંતોષ અને આનંદ છે. પરંતુ મીમાંસા અને વેદાન્ત આ બે દર્શનો રહી ગયાં હતાં, એટલે આ બે દર્શન વિશે ગ્રંથરચના કરવી એમ મનમાં રહ્યા કરતું. આ બેમાં સૌપ્રથમ વેદાન્ત વિશે લખવાનો વિચાર થયો. વેદાન્તની અનેક શાખાઓ છે પણ તેમાં સૌથી મહત્ત્વની છે શાંકરવેદાન્તની (કેવલાદ્વૈતવેદાન્તની). શાંકરદાન્તના સર્વ સિદ્ધાંતોને આવરી લેતું પુસ્તક લખવા માટે ઘણો સમય અને શક્તિ જોઈએ. એટલે તેના સર્વ સિદ્ધાંતોના આધારભૂત અને અિસાધારણ એવા અવિદ્યાસિદ્ધાંતને લઈ પુસ્તક લખવાનો વિચાર થયો. આ વિચાર મનમાં ઘોળાતો હતો તેવામાં બેત્રણ વર્ષ પહેલાં ગુજરાત રાજ્ય સંસ્કૃત અકાદમીના માનનીય અધ્યક્ષ ડૉ. ગૌતમભાઈ પટેલે મને એકબે વાર એક પુસ્તક અકાદમી માટે લખી આપવા મૌખિક સૂચન કર્યું. મેં કહ્યું કે લેખિત નિમંત્રણ મોકલો, હું જરૂર ‘અદ્વૈત વેદાન્તમાં અવિદ્યા’ વિશે પુસ્તક લખી આપીશ. પરંતુ નિમંત્રણ આવ્યું જ નહિ. તેમ છતાં મારો વિચાર, સંકલ્પ સફળ થયો અને મારી સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રંથમાળામાં હવે તે પુસ્તક પ્રકાશિત થાય છે. વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓને ઉપયોગી સિદ્ધ થાય એવી આશા રાખું છું.
- નગીન જી. શાહ