________________
(૬૮) દર્દુરાંક દેવની કથા
૩૦૭
ફરી શ્રેણિક રાજાએ પૂછ્યું કે ‘હે સ્વામી! ત્યારે કહો કે આપને છીંક આવી, તે વખતે આપને તેણે મરવાનું કેમ કહ્યું ?” ભગવાન બોલ્યા કે “હે શ્રેણિક! મને અહીં છું ત્યાં સુધી વેદનીયાદિક ચાર કર્મ વળગેલાં છે, અને મૃત્યુ પછી તો મને મુક્તિસુખ મળવાનું છે, માટે મને મરવાનું કહ્યું. વળી તને છીંક આવી ત્યારે તને જીવવાનું કહ્યું. તેનું કારણ એ છે કે હાલમાં તું જીવતો છે તો રાજ્યસુખ ભોગવે છે પણ મૃત્યુ પછી તું નરકમાં જવાનો છે, માટે તને ‘ઘણું જીવો' એમ કહ્યું. તથા અભયકુમાર અહીં પણ ધર્મકાર્ય કરતો સતો રાજ્યસુખ ભોગવે છે, અને પરભવમાં પણ તે અનુત્તર વિમાનમાં જવાનો છે, તેથી તેને ‘જીવો અથવા મરો’ એમ કહ્યું; અને કાલસૌરિક તો અહીં જીવતો સતો પણ બહુ હિંસાદિક પાપનું આચરણ કરે છે, અને મરણ પામ્યા પછી સાતમી નરકે જવાનો છે માટે તેને ‘ન જીવો, ન મરો' એમ કહ્યું. આ ચાર ભાંગા સર્વ જીવ પરત્વે લાગુ પડે છે. (એટલે કે ચાર ભાંગામાંથી કોઈ પણ એક ભાંગામાં હરકોઈ જીવ આવી શકે છે) આ દર્દુરાંક દેવના મનનો અભિપ્રાય છે.’
તે સાંભળીને શ્રેણિકે ભગવાનને વિનંતિ કરી કે હે સ્વામી ! આપ જેવા મારે માથે ગુરુ છતાં મારે નરકમાં જવું કેમ યોગ્ય કહેવાય ?’’ ભગવાન બોલ્યા કે “હૈ રાજા ! તેં સમ્યક્ત્વ પામ્યા પહેલાં નરકનું આયુષ્ય બાંઘેલું છે, તે કોઈથી પણ દૂર (મિથ્યા) થઈ શકે તેમ નથી. પરંતુ તું ખેદ ન કર. આવતી ચોવીશીમાં તું પદ્મનાભ ‘નામે પ્રથમ તીર્થંકર થવાનો છું.” એ સાંભળીને રાજાએ હર્ષિત થઈ ફરી પ્રભુને પૂછ્યું કે ‘હે ભગવાન ! શું તેવો કોઈ પણ ઉપાય નથી કે જેથી મારે નરકમાં જવું ન પડે? ત્યારે ભગવાન બોલ્યા કે જો તારી કપિલા નામની દાસી એક વાર પણ ભાવપૂર્વક સાધુને દાન આપે, અને જો કાલસૌકરિક જે હંમેશાં પાંચસો પાડા મારે છે તે એક દિવસ ન મારે તો તારે નરકે જવું ન પડે.' તે સાંભળીને રાજા ભગવાનને વંદના કરી ઘર તરફ ચાલ્યો.
માર્ગમાં ફરીથી શ્રેણિક રાજાના સમકિતની પરીક્ષા કરવા માટે દર્દુરાંક દેવ એક સાધુનું રૂપ વિકુર્વી ઘણા મત્સ્યોથી ભરેલી જાળ લઈને રાજાની સન્મુખ આવ્યો. તેને જોઈ શ્રેણિકે પૂછ્યું કે ‘અરે ! મુનિનો વેષ ધારણ કરનાર એવા તેં આ જાળને કેમ ગ્રહણ કરી છે? અને જો આ જાળ ઘારણ કરે છે, તો શું તું મત્સ્યાદિકનો આહાર પણ કરે છે?” આ વિષય પર શ્રેણિકના પ્રશ્ન અને દેવના ઉત્તરવાળો શ્લાક આ પ્રમાણે છે—
कंथाचार्य श्लथा किं ननु शफरवधे जालमश्नासि मत्स्यान् । तान् वै मद्योपदंशात् पिबसि मधु समं वेश्यया यासि वेश्याम् ॥ दत्वारीणां गलेऽङ्घी ननु तव रिपवो येन सायं छन । चौरस्त्वं द्यूतहेतोः किं तव इति कथं येन दासीसुतोऽस्मि ॥१॥