________________
૨૨૪
ઉપદેશમાળા
ચોતરફ જોવા લાગી. તેવામાં ત્યાં કોઈ સાર્થવાહ આવ્યો. તેના સેવકો જળ અને કાષ્ઠ લેવા માટે વનમાં ભમતા હતા. તેમણે તેનું વનદેવતા જેવું રૂપ જોઈ તેને લઈ જઈ સાર્થવાહને સોંપી. તે સાર્થવાહે પણ તેને તેલમર્દનાદિ કરાવીને સજ્જ કરી અને પથ્ય ભોજનાદિક કરાવીને પાછી નવા યૌવનવાળી કરી. પછી તેના રૂપથી મોહં પામેલા સાર્થવાહે તેને કહ્યું કે “હે સુંદરી! આ તારું શરીર પુરુષે ભોગવ્યા વિના શોભતું નથી. જો કદાચ વિષયસુખના સ્વાદમાં તને વિમુખપણું હોય, તો તારું આવું અનુપમ રૂપ વિધિએ શા માટે કર્યું? હે કમળ સમાન નેત્રવાળી ! તને જોયા પછી મને બીજી સ્ત્રી રુચતી નથી. જેમ કલ્પવલ્લીની વાંછાવાળો ભ્રમર બીજી વલ્લીનો મનોરથ કરતો નથી, તેમ તારા રૂપથી જેનું મન મોહ પામેલું છે એવા મને બીજી સ્ત્રી ગમતી નથી. માટે મારા પર કૃપા કર અને કામદેવરૂપી સમુદ્રમાં ડૂબી ગયેલા એવા મારો ઉદ્ઘાર કર.”
આવા સાર્થવાહનાં વચનો સાંભળી સુકુમાલિકાએ વિચાર્યું કે “આ સંસારમાં કર્મની ગતિ વિચિત્ર છે. વિધાતાના વિલાસની સંભાવના થઈ શકતી નથી, કહ્યું છે अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥ १॥ ‘વિધિ જ (વિધાતા જ) અયોગ્ય સંયોગવાળા પદાર્થોને એકત્ર કરે છે અને સારી રીતે યોગ્યતાથી સંયોગ પામેલાને જર્જરિત (જુદા) કરે છે. પુરુષ જેને મનમાં પણ કોઈ વખત ચિંતવતો નથી તેનો તે વિધિ જ સંયોગ કરી દે છે.’
આ પ્રમાણે જો વિધાતાનો જ વિલાસ ન હોય.તો મારા ભાઈઓ જ મને મરેલી ધારીને શા માટે વનમાં મૂકી દે ? અને આ સાર્થવાહનો સંબંધ પણ શી રીતે થાય? તેથી હું ઘારું છું કે હજુ મારે કાંઈક પણ ભોગકર્મ ભોગવવું બાકી રહ્યું છે. વળી આ સાર્થવાહ પણ મારો મોટો ઉપકારી છે, તેથી મારા સંગમ માટેનો તેનો અભિલાષ હું પૂર્ણ કરું.’ એમ વિચારીને સુકુમાલિકા સાર્થવાહના ચરણમાં પડીને હાથ જોડી બોલી કે “હે સ્વામી! આ મારી દેહલતા તમારે આધીન છે, માટે આ સ્તનરૂપી બે ગુચ્છને ગ્રહણ કરો, અને તમારો મનોરથ પૂર્ણ કરો.” તે સાંભળીને હર્ષિત થયેલો સાર્થવાહ તેને પોતાના નગરમાં લઈ ગયો, અને ત્યાં તેની સાથે નિઃશંકપણે વિષયસુખ અનુભવતાં તેનો ઘણો કાળ વ્યતીત થયો.
જ
એકદા વિહાર કરતા કરતા સસક અને ભસક મુનિ તે જ નગરમાં આવ્યા. આહાર લેવા માટે તેમણે નગરમાં પ્રવેશ કર્યો. ફરતાં ફરતાં કર્મયોગે તેમણે સુકુમાલિકાને જ ઘેર જઈને ધર્મલાભ આપ્યો. સુકુમાલિકાએ તો પોતાના ભાઈઓને જોઈને ઓળખી લીધા, પણ ભાઈઓએ તેને બરાબર ઓળખી નહીં. તેથી તેઓ તેના સામું જોવા લાગ્યા. એટલે સુકુમાલિકાએ પૂછ્યું કે “હે મુનિરાજ !