________________
(૧) રણસિંહ કથા પુરુષવેષ ઘારણ કરીને હું આજ યક્ષપ્રાસાદમાંથી બહાર નીકળી હતી. એ પ્રમાણે કમલવતીએ પોતાની દાસીને જટિકાનું સ્વરૂપ કહ્યું.
- હવે ભીમ રાજાના પુત્રે તેને માટે ઘણા ઉપાયો કર્યા, પરંતુ એક પણ ઉપાય કામ લાગ્યો નહીં ત્યારે તેણે કમલવતીની માતાને પોતાનો અભિપ્રાય જણાવ્યો. તેણે વિચાર કર્યો કે આ મહાન રાજપુત્ર છે તો આની સાથે મારી પુત્રીના લગ્ન થાય તો તે યુક્ત છે. આ પ્રમાણે વિચારીને તેણે પોતાના સ્વામીને તે હકીક્ત નિવેદન કરી. તેણે પણ તે કબૂલ કર્યું. બીજે દિવસે જ લગ્ન લીધાં. જ્યારે કમલવતીએ આ વાત જાણી, ત્યારે તેણે ઘણું દુઃખ ઉત્પન્ન થયું, તેથી તે ખાતી પણ નથી, સૂતી પણ નથી, બોલતી પણ નથી અને હસતી પણ નથી. તે મનમાં વિચારે છે કે તે યક્ષની પાસે જઈને તેને ઉપાલંભ દઈને તેનો જ આશ્રય લઉં, તે સિવાય મારી બીજી ગતિ નથી.” આ પ્રમાણે વિચારીને રાત્રિએ ગુપ્ત રીતે નીકળી યક્ષમંદિરમાં આવીને તેને ઓળંભો આપવા લાગી કે–
“હે યક્ષ! તમારા જેવા મુખ્ય દેવોનું વચન અન્યથા થાય એ યોગ્ય ગણાય નહીં. કારણ કે પુરુષોને તો એક જ જીભ હોય છે. કહ્યું છે કે પુરુષોને એક, સર્પને બે, પ્રજાપતિને ચાર, અગ્નિને સાત, કાર્તિક ઋષિને છે, રાવણને દશ, શેષનાગને બે હજાર અને દુર્જનોના મુખમાં હજારો ને લાખો જીભ હોય છે. જોકે એ પ્રમાણે છે છતાં તમારી વાણી નિષ્ફળ ગઈ. પરંતુ મારો જીવ તો મારા હાથમાં છે.” એ પ્રમાણે કહીને રણસિંહ કુમારના મુકામની પાસે જઈ મોટા વૃક્ષને વિષે ગળે ફાંસો બાંધીને બોલી કે “હે વનદેવતાઓ! મારું વચન સાંભળો. મેં રણસિંહ કુમારને પરણવાની ઇચ્છાથી આ ચિન્તામણિ યક્ષનું બહુ રીતે આરાઘન કર્યું. તેણે મને વચન પણ આપ્યું પરંતુ પાળ્યું નહીં, તેથી હું આત્મઘાત કરું છું. જો આ ભવને વિષે એ મારા પતિ ન થયા તો આવતા ભવને વિષે તે મારા વલ્લભ થાઓ.” એ પ્રમાણે બોલી વૃક્ષ ઉપર ચડીને કંઠમાં ફાંસો નાંખીને લટકી રહી.
. તેવામાં સુમંગલા દાસી તેને પગલે ત્યાં આવી. તેણે કમલવતીને એ અવસ્થામાં જોઈને શોરબકોર કરી મૂક્યો. તે સાંભળીને રણસિંહ કુમાર પોતાના સુમિત્ર નામના મિત્ર સહિત સત્વર ત્યાં આવ્યો. દાસીએ ગળાનો ફાંસો છેદી નાંખ્યો, એટલે કમલવતી બેસુઘ અવસ્થામાં નીચે પડી. શીત પવન વગેરેના ઉપચારથી તે સ્વસ્થ થઈ, ત્યારે કુમારે પૂછ્યું કે “હે સુંદરી! તું કોણ છું? તેં શા માટે ગળે ફાંસો નાંખ્યો હતો? તેં આ સાહસ શા હેતુએ કર્યું?” સુમંગલાએ ઉત્તર આપ્યો કે “સ્વામિનું! શું હજુ આપે એને ન ઓળખી? તમારામાં જેનું ચિત્ત લીન થયું છે એવી આ રાજપુત્રી કમલવતી છે. તેના પિતાએ તેને ભીમ નૃપના પુત્રને આપવાથી તે આત્મઘાત કરીને મરવા ઇચ્છતી હતી, તેનું મેં ગળાફાંસો કાપી નાંખી રક્ષણ કર્યું છે.” તે સાંભળીને રણસિંહ કુમાર અતિ હર્ષિત થયો.